રાજકોટ : રાજકોટમાં એસઆરપી જવાને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. મૂળ પંચમહાલના પ્રવીણ ચૌહાણ નામના એસઆરપી જવાન પીજીવીસીએલના બંદોબસ્ત માટે રાજકોટમાં આવ્યા હતા. જે દરમિયાન તેઓ રાજકોટ એસટી બસ સ્ટેન્ડ પાછળ આવેલી ધર્મશાળામાં પોતાની કંપની સાથે રોકાયા હતા. જ્યારે વહેલી સવારે તેમને પોતાની સર્વિસ રાયફલમાંથી પોતાના ગળાના ભાગે બંદૂકની ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. જોકે એસઆરપી જવાનના આપઘાતનું સ્પષ્ટ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. જ્યારે સમગ્ર મામલે રાજકોટ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જાતે ગોળી મારી જીવન ટૂંકાવ્યું: સમગ્ર મામલે મૃતક પ્રવીણ ચૌહાણ નામના એસઆરપી જવાન સાથે નોકરી કરતા સરદાર ભાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે ધર્મશાળામાં અલગ અલગ રૂમમાં સુતા હતા. એવામાં વહેલી સવારે બંદૂકની ગોળીનો અવાજ આવ્યો હતો અને અમે જાગ્યા હતા. ત્યારે પ્રવીણભાઈ ચૌહાણ નીચે પડેલા જોવા મળ્યા હતા. આ ઘટના સવારે ચાર વાગ્યાની આસપાસ બની હતી. અમારો બંદોબસ્ત પીજીવીસીએલ ખાતે હતો હું અને મૃતક પ્રવીણભાઈ છેલ્લા દોઢ બે વર્ષથી સાથે નોકરી કરીએ છીએ. એવામાં તેમને કોઈ પણ જાતનું ટેન્શન પણ નહોતું પરંતુ તેઓ બીમાર હતા અને છેલ્લા એક અઠવાડિયા પહેલા સારવાર ઉપર હતા. ત્યારબાદ તેઓ નોકરી ઉપર હાજર થયા હતા અને આ પ્રકારનો બનાવ બન્યો છે.
બીમારીના કારણે આપઘાત ? એસઆરપી જવાન પ્રવીણ ચૌહાણના આપઘાતનું સ્પષ્ટ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ તેમના પરિવારજનો અને તેમની સાથે ફરજ બજાવતા કર્મચારીઓ જણાવી રહ્યા છે, કે તેઓ છેલ્લાં ઘણા સમયથી બીમાર હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. એવામાં સારવાર બાદ તેઓ નોકરી ઉપર હાજર થયા હતા અને તેમની દવાઓ શરૂ હતી. જો કે તેઓ રજા ઉપર ઉતરે તે પહેલા જ તેમને આ પ્રકારનું પગલું ભરી લીધું હતું. સમગ્ર મામલે રાજકોટ એ ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એસઆરપી જવાન મૂળ ગોધરાના વતની છે અને રાજકોટમાં પોતાની કંપની સાથે ફરજ બજાવવા માટે આવ્યા હતા. જે દરમિયાન આ પ્રકારની ઘટના સામે આવી છે.