- રાજકોટ સહિતના આસપાસના તાલુકામાં ભારે વરસાદ
- ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે તારાજી સર્જી
- ભારે વરસાદ થતા ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ
ગોંડલઃ તાલુકાના મોવિયા, બાંદ્રા, ગોમટા, નવાગામ, લીલાખા, દેવળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો, ગોંડલ શહેરમાં 2 ઇંચ જેટલો વરસાદ પડતા ગોંડલ શહેરના લાલપુલ અને ઉમવાળા અંડર બ્રિજમાં વરસાદી પાણી ભરાયા હતા, વરસાદના પાણી ભરાતા વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો.
ગોંડલ તાલુકાના બંધિયા ગામમાં ભારે પવન સાથે 4 ઇંચ વરસાદ વર્ષો હતો. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદને પગલે ખેડૂતોના પાકને નુકશાનીની ભીતિ વર્તાઈ રહી છે. ખેડૂતોના કપાસ, મગફળી, મરચી, સહિતના પાકોને નુકશાન થયું છે અને જગતનો તાત ક્યાંકને ક્યાંક ચિંતામાં મુકાયો છે.
- ભાદર ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો
ગોંડલ તાલુકાના લીલાખા ગામ પાસે આવેલ ભાદર ડેમ-1 ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ભાદર ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો છે. ભાદર ડેમમાં 483 ક્યુસેક પાણીની આવક સામે 483 ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે. ડેમનો દરવાજો ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.