રાજકોટ : જેતપુરના ભોજાધાર વિસ્તારમાં એક મકાન ધરાશાયી થવાની દુર્ઘટના બની છે. કાચું મકાન ધરાશાયી થતા 6 લોકો નીચે દબાયા હતા, તે તમામને સ્થાનિક લોકો દ્વારા સુરક્ષીત રીકે બહાર કાઢવામાં આવ્યા હતા. 108ની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. તંત્ર પહોંચે તે પહેલાં જ સ્થાનિક લોકોએ 6 પરપ્રાતિયા મજૂરોને બહાર કાઢ્યા હતા. 2થી 3 લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. મકાન નીચે દબાયેલા 6 માંથી 5 શ્રમિકોને ગંભીર ઇજા હોવાથી વધુ સારવાર અર્થ રાજકોટ સારવાર માટે ખસેડાયા છે અને એક શ્રમિકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
6 લોકો દટાયા હતા : આ ઘટનામાં સદનસીબે કોઈનો જીવ ગયો હોવાની બાબત સામે નથી આવી. આ મકાનને અડીને જ આવા બીજા બે મકાનો આવેલ છે અને તે મકાનો પણ ગમે ત્યારે ધરાશાયી થશે તેવી સ્થાનિકોએ વાત કરી છે. આ અંગે સ્થાનિકોએ તત્કાલીન મીડિયા સમક્ષ દહેશત વ્યક્ત કરી હતી અને આ દહેશત સાચી પડી અને પંદર દિવસ પૂર્વે મકાન ધરાશયી થયેલ તે મકાનને અડીને જ આવેલ મકાન ધડામ દઈને ધરાશયી થયું છે અને ચારેબાજુ દોડ ધામ મચી ગઇ હતી. મકાનમાં સાતથી આઠ જેટલા પરપ્રાંતિય મજૂરો ભાડે રહેતા તે કાટમાળ હેઠળ દબાઈ ગયેલ હતાં.
તંત્રની બેદરકારી સામે આવી : આ ઘટનામાં ઇજાગ્રસ્તોમાં રાહુલ બધિયા, મહેશલાલ પદલાલ, ઈતવારીભાઈ, રવિન્દ્ર ભુતારામ, રસ્કાભાઈ મુંડાભાઈ અને સુનિલ મુરમુ રહેવાસી તમામ ઝારખંડ વાળાઓને સરકારી હોસ્પિટલમાં સારવાર આપી ગંભીર ઇજાગ્રસ્તોને પાંચ યુવાનોને રેફર કરવામાં આવ્યા છે. જેતપુર શહેરમાં અનેક મકાનો જર્જરીત હાલતમાં ઉભા છે છતાંય જેતપુર નવગઢ નગરપાલિકા તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં છે તેવું સ્થાનિકો જણાવે છે અને શહેરમાં છેલ્લા પંદર દિવસમાં ત્રણ જગ્યાએ મકાનો ધરાશયી થઈ ગયા ત્યાં નગરપાલિકા તંત્ર કેવી રીતે મકાન પડ્યું તે જાણવા કે જોવા માટે હજુ સુધી ડોકાયું પણ નથી કર્યું. તો આવું નગરપાલિકા તંત્ર લોકોની શું મદદ કરશે તેવી પણ ચર્ચાએ જોર પકડયું છે.