રાજકોટઃ ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલી સબજેલમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. જેના લીધે જેલ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ છે.
ગોંડલ સબ જેલમાં શુક્રવારે એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. સબજેલના જેલર ડી કે પરમારે જણાવ્યું હતું કે, સબ જેલની અંદર આવેલા બેરેક નંબર 4માં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા અને ત્યારબાદ ત્યાં સંક્રમણ વધતા શુક્રવારે પાંચમો પોઝિટિવ કેસ નોંધાયો હતો. સુરક્ષાને ધ્યાને લઇ જેલ તંત્ર દ્વારા પહેલાથી જ બેરેક નંબર 4ને કવોરેન્ટાઇન કરવામાં આવ્યુ છે અને તેમાં રહેલા 18 આરોપીઓની આરોગ્યની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ બેરેકના આરોપીઓનો બ્લોક હેલ્થ ઓફિસર ગોહેલની મદદથી રેપિડ ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે અને જરૂર જણાય તેવા કેદીઓને વધુ સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી રહ્યા છે.