રાજકોટ: આગામી દિવસોમાં દેશમાં લોકસભાની ચૂંટણી આવનાર છે. એવામાં લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો અત્યારથી જ પ્રચાર પ્રસારમાં લાગ્યા છે. જ્યારે લોકસભાની ચૂંટણીને લઈને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા એવા રંગીલા રાજકોટમાં પણ વિવિધ પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં જ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે એક લાખ કરતા વધારે ખેલૈયાઓ એકઠા થયા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લેખિત માડી ગરબા ઉપર ગરબા રમ્યા હતા. જ્યારે આ સમગ્ર આયોજન ભાજપ પક્ષના ઉપાધ્યક્ષ ડૉ ભરત બોઘરાની મુખ્ય ભૂમિકા રહી હતી. એવામાં આ આયોજન બાદ અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે.
હાલમાં રાજકોટથી મોહન કુંડારિયા સાંસદ: રાજકોટ લોકસભા બેઠક હાલ ભાજપ પાસે છે. તેમજ અહીંથી કડવા પાટીદાર એવા મોહન કુંડારીયા ચૂંટણી જીત્યા છે. જ્યારે તેઓ એક વખત કેન્દ્રીય પ્રધાન પણ રહી ચૂક્યા છે. આ વખતે ભાજપ મોહન કુંડારીયાને રિપીટ કરે તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. આ સાથે જ તાજેતરમાં જ સીઆર પાટિલે પણ રાજકોટ શહેરની મુલાકાત લીધી હતી અને લેઉવા પાટીદાર સમાજના અગ્રણી તેમજ ઉદ્યોગપતિ મૌલિક ઉકાણીને જાહેરમાં જ લોકસભામાં જવા માટેની ઓફર કરી હતી. ત્યારથી અલગ અલગ ચર્ચાઓનો દોર શરૂ થયો છે. માનવામાં આવી રહ્યું છે કે રાજકોટ લોકસભા બેઠક ઉપરથી જો ટિકિટ મળશે તો પ્રદેશ ઉપાધ્યક્ષ ડો ભરત બોઘરા પણ ચૂંટણી લડી શકે છે.
એક વખત જસદણ બેઠક પરથી જીત્યા હતા ચૂંટણી: ડો. ભરત બોઘરાની વાત કરવામાં આવે તો બોઘરા જસદણ વિધાનસભા બેઠક ઉપરથી ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા. તેમજ એક વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે. ત્યારબાદ જસદણ બેઠક ઉપર તે સમયના કોંગ્રેસના દિગ્ગજ નેતા કુંવરજી બાવળીયા ચૂંટણી લડ્યા હતા અને અનેકવાર તેઓ ધારાસભ્ય બની ચૂક્યા છે. જ્યારે તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા ત્યારે ભાજપમાં દ્વારા બાવળીયાને જ જસદણ બેઠક ઉપરથી જ વિધાનસભાની ચૂંટણીની ટિકિટ આપવામાં આવી હતી. હાલમાં તેઓ કેબિનેટ પ્રધાન છે. આ સાથે જ ડો ભરત બોઘરાનું જસદણમાંથી લડવાનું સપનું અહીંયા જ પૂર્ણ થઈ ગયું હતું. એવામાં બોઘરા વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક ઉપરથી લડવાની વાતો વહેતી થઈ હતી પરંતુ પક્ષે તેમને વિધાનસભાની ટિકિટ આપી નહોતી અને અહીંયા ખોડલધામ ચેરમેન નરેશ પટેલની મધ્યસ્થિના ખોડલધામના ટ્રસ્ટી એવા રમેશ ટીલાળાને ભાજપ ટિકિટ આપી હતી અને તેઓ હાલમાં રાજકોટ દક્ષિણ બેઠકના ધારાસભ્ય છે.
સીઆર પાટીલના નજીકના નેતા તરીકે ઓળખ: આ વખતની વિધાનસભા ચૂંટણી પહેલાં ડો. ભરત બોઘરાએ જસદણ આટકોટ વિસ્તારમાં વિશાળ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલનું નિર્માણ કરાવ્યું હતું. જ્યારે આ હોસ્પિટલના લોકાર્પણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જસદણ ખાતે આવ્યા હતા. ત્યારે પણ બોઘરાનું કદ વધ્યું હતું. ત્યારબાદ જસદણ ખાતે નિર્માણ પામેલી કેડી પરવડીયા હોસ્પિટલમાં અધતન લેબનું લોકાર્પણ દરમિયાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. એવામાં તેઓ સરકાર અને સંગઠનના મજબૂત નેતા હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે તાજેતરમાં જ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પીએમ મોદી લેખિત માડી ગરબા ઉપર એક લાખ લોકોએ ગરબા રમ્યા હતા.જેમાં પણ બોઘરાની મહત્વની ભૂમિકા માનવામાં આવે છે.આ બધા સમીકરણો જોતા એવું લાગે છે કે ડો.ર ભરત બોઘરા આગામી દિવસોમાં રાજકોટ લોકસભા બેઠક ઉપરથી પક્ષ દ્વારા તેમને ટિકિટ આપવામાં આવશે તો તેઓ ચૂંટણી લડી શકે છે.