રાજકોટ: રાજ્યસભાની ચૂંટણી અવતાની સાતગે જ ગુજરાતમાં ધારાસભ્યોના રાજીનામનુ રાજકારણ શરૂ થયું છે. જેને લઈને કોંગ્રેસના અત્યાર સુધીમાં 8 જેટલા ધારાસભ્યોએ રાજીનામા અપાય છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. જેને લઈને હવે વધારે ધારાસભ્યો કોંગ્રેસમાંથી રાજીનામું ન આપે તે માટે કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા તમામ ધારાસભ્યોને સાથે રાખવાનો નિર્ણય કર્યો છે. જેમાં સૌરાષ્ટ્રના 22 જેટલા ધારાસભ્યોને રાજકોટ ખાતે આવેલ નિલસિટી રિસોર્ટમાં રાખવામાં આવ્યા હતા જ્યારે હવે આજે આ ધારાસભ્યોને રાજકોટમાંથી ધારી ખાતેના ફાર્મ હાઉસમાં ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈને આજે રાજકોટથી 18 જેટલા કોંગી ધારાસભ્યો ધારી ખાતે જવા માટે રવાના થયા હતા.
ઉલ્લેખનીય છે કે, અગાઉ આ ધારાસભ્યોને રાજસ્થાન ખાતે ખસેડવામાં આવવાના હતા. પરંતુ હવે સૌરાષ્ટ્રના ધારાસભ્યોને પરેશ ધાનાણીના હોમટાઉન અમરેલી ખાતે રાખવામાં આવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. જ્યારે રાજકોટથી ધારી જઈ રહેલા કોંગી ધારાસભ્યો રસ્તામાં જે ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે, તેમના મતવિસ્તારમાં લોકસંપર્ક કરશે.