રાજકોટ: આજીડેમ ચોકડી નજીક એક 13 વર્ષની તરુણીની લાશ મળી આવી હતી. જે મામલે પોલીસને શંકા હતી કે આ તરુણી સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા નીપજવામાં આવી છે. ત્યારે હવે આ સમગ્ર ભેદ રાજકોટ ક્રાઈમબ્રાન્ચ દ્વારા ઉકેલી નાખવામાં આવ્યો છે. જે મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સગીરા સાથે દુષ્કર્મ કર્યા બાદ લોખંડના સળિયા સહિતની વસ્તુઓ સાથે હત્યા કરાઈ હતી. જો કે પોલીસે ગણતરીના દિવસોમાં જ આ દુષ્કર્મ અને હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
" રાજકોટ શહેરના આજીડેમ પોલીસ મથકમાં ગત તારીખ 27ના રોજ એક ફરિયાદ નોંધાય છે. જેમાં એક 13 વર્ષની તરુણીનું અપહરણ બાદ તે ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાય છે. ત્યારબાદ પોલીસને ગત 29ના રાત્રિના સમયે આ ગુમ થયેલી તરુણીની હત્યા કરાયેલી લાશ મળી આવે છે. સમગ્ર મામલે પોલીસને લાશ જોતા શંકા જાય છે કે તેની સાથે કંઇક અઘટિત ઘટના ઘટી છે. જેને લઇને આ મામલે SITની રચના કર્યા બાદ પોલીસની અલગ અલગ 7 ટીમ વિવિધ દિશામાં તપાસ કરે છે. જેમાં પોલીસને મહત્વની બાતમી મળે છે." - પાર્થરાજ સિંહ ગોહિલ, DCP, રાજકોટ ક્રાઈમબ્રાન્ચ
વેશપલટો કરીને આરોપીની ધરપકડ: ડીસીપીએ આ મામલે વધુમાં જણાવ્યું કે ક્રાઇમબ્રાંચના કનકસિંહને આ મામલે મહત્વની બાતમી મળી હતી. જેના આધારે પોલીસને આ વિસ્તારમાં જ રહેતા અને ભટકતુ જીવન જીવતા જયદીપ પરમાર નામના શખ્સ પર શંકા જાય છે. ત્યારે આ જયદીપ નામના ઈસમને પકડવા માટે પોલીસ વેશપલટો કરે છે અને ત્યારબાદ તેને ઝડપી પાડે છે. જેમાં સામે આવે છે કે જયદીપ દ્વારા જ આ તરુણી જ્યારે લાકડા લેવા જાય છે ત્યારે જયદીપ તેને ફોસલાવીને અમૂલ ઇન્ડટ્રીઝમાં લઇ જાય છ તેને તેની સાથે દુષ્કર્મ આચરે છે. ત્યારબાદ તેની હત્યા કરવામાં આવે છે.
પોલીસે તપાસ હાથ ધરી: ઉલ્લેખનીય છે કે જયદીપ ભોગ બનનાર પરિવાર સાથે ઘરોબો ધરાવતો હતો અને તે અવારનવાર આ પરિવારના ઘરે જતો હતો. જ્યારે રાજકોટ પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ આ દુષ્કર્મ બાદ હત્યાનો ભેદ ઉકેલી નાખે છે. હાલ આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ છે.