- કાર્યવાહી શરૂ કરવામાં આવતા જુનિયર વકીલોમાં ખુશીનો માહોલ
- ભગવાનની પૂજા-અર્ચના કરી શરૂ કરવામાં આવી કોર્ટ
- કોરોના બાદ જુનિયર વકીલોની આર્થિક સ્થિતિ સુધરે તેવી આશા
રાજકોટઃ વિશ્વભરમાં કોરોનાની મહામારીના કારણે ઘણા દેશોનું અર્થતંત્ર મુશ્કેલીમાં મૂકાયુંં હતું. ત્યારે ભારતમાં પણ તેની અસર ખૂબ જ ગંભીર રીતે જોવા મળી છે. જેને લઈને કેટલોક સમય ભારતમાં સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું હતું. જેમાં કોર્ટ કાર્યવાહી પણ બંધ કરવામાં આવી હતી. છેલ્લા 11 માસથી વધુ કોર્ટની કાર્યવાહી બંધ હતી. જે આજથી વિધિવત રીતે શરૂ કરવામાં આવી છે. કોર્ટની કાર્યવાહી ફિઝિકલ રીતે શરૂ કરવામાં આવતા વકીલોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
છેલ્લા 10 મહિનાથી કોર્ટ કાર્યવાહી હતી બંધ
કોરોનાની મહામારીના કારણે ભારતમાં લોકડાઉન હોવાથી કોર્ટ પણ બંધ રાખવામાં આવી હતી. ફિઝિકલ રીતે બંધ હોવાના કારણે કેટલાક જુનિયર વકીલો બેરોજગાર બન્યા હતા. ત્યારે વકીલો દ્વારા પણ ફિઝિકલ રીતે કોર્ટ શરૂ કરવાની માંગણીઓ કરવામાં આવી હતી. જેને લઈને સોમવારથી ફરી વિધિવત રીતે ફિઝિકલ કોર્ટ શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજકોટ બાર એસોસિએશન દ્વારા કોર્ટની બહાર કાર્યવાહી શરૂ કરતાં પહેલાં ભગવાનની પૂજા-અર્ચના કરવામાં આવી હતી ત્યારબાદ કોર્ટ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.