પોરબંદર : એક તરફ આકરો ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે પોરબંદરમાં અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા વિકરાળ બની છે. ખાસ કરીને પોરબંદરના કુંભારવાડામાં 8 દિવસ તથા રિલાયન્સ પેટ્રોલપમ્પ પાછળના વિસ્તારમાં 12 દિવસથી પાણી નથી આવ્યું. પાણીની આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે સ્થાનિક મહિલાઓ અને પોરબંદર કોંગ્રેસ દ્વારા પાલિકાના તંત્રને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
પીવાના પાણીના પ્રશ્નને લઈને રજૂઆત : પોરબંદરમાં કોંગ્રેસ નેતા રામદેવ મોઢવાડિયા સહિતના કોંગ્રેસ આગેવાનો અને સ્થાનિક મહિલાઓ પીવાના પાણી મુદ્દે પોરબંદર નગરપાલિકા તંત્રના અધિકારીઓને રજૂઆત કરવા માટે કચેરીમાં પહોંચ્યા હતાં. જોકે નગરપાલિકાના તંત્ર તરફથી કોઇ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. જેથી સ્થાનિકોને સાથ આપતાં કોંગ્રેસ નેતા પણ મહિલાઓ સાથે પોરબંદર જિલ્લા કલેક્ટર સમક્ષ પીવાના પાણીના પ્રશ્નને લઈને રજૂઆત કરી હતી. પોરબંદરના કલેક્ટર દ્વારા જોકે પીવાના પાણીના પ્રશ્નોનું નિરાકરણ લઈ આવવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.
આ પણ વાંચો Summer Water Problem : પીવાના પાણી માટે સરકારે ટોલ ફ્રી સેવા કરી શરૂ, રાજ્યમાં 53 ટકા પાણીનો જથ્થો
કુંભારવાડા વિસ્તારમાં 8 દિવસથી પાણી બંધ : પોરબંદરના કુંભારવાડા વિસ્તારના મહિલાઓ પીવાના પાણીની સમસ્યા સર્જાઈ હોવાના કારણે નગરપાલિકાના પ્રમુખ સરજુભાઈ કારિયાના ઘરે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતાં. પરંતુ નગરપાલિકાના પ્રમુખ સરજુભાઈ કારીયા ઘર પર ન હતાં અને પચાસથી વધુ મહિલાઓ પાલિકા પ્રમુખના ઘરે પહોંચ્યા હોવાના પગલે પોલીસ આવી પહોંચી હતી. મહિલાઓએ પાણી વહેલી તકે આપવા વિનંતી કરી હતી.
બાર દિવસે પણ પાણી નથી આપ્યું : પોરબંદરના જુબેલી વિસ્તારથી આગળ રિલાયન્સ પેટ્રોલ પમ્પ પાછળના વિસ્તારમાં છેલ્લા 12 દિવસથી પાણી ન આવતા મહિલાઓએ તાત્કાલિક વ્યવસ્થા કરવા માટે વિનંતી કરી હતી. મહિલાઓએ રોષ વ્યકત કરતા જણાવ્યું હતું કે 12 દિવસ સુધી પાણી ન આપે તો જીવન ચાલવવુ પણ મજબુર થઈ જાય છે. વેકેશન સમયમાં મહેમાન ઘરે આવતા હોય છે. ત્યારે પાણીની જરૂરિયાત પૂરી પાડવી જરુરી છે. જે માટે પગલાં લઇને વહેલી તકે પાણીની આપૂર્તિ કરે તેવી સ્થાનિક મહિલાઓએ માગ કરી છે.
આ પણ વાંચો Porbandar Kirti Mandir: કીર્તિમંદિરની આસપાસ વિસ્તારમાં બાંધકામ કરનારા 19 લોકો સામે ફરિયાદ
વીઆઈપી એરિયામાં સમયસર પાણી : સોમવારના દિવસે મહિલાઓએ પાણીના પ્રશ્નોના નિરાકરણ અંગે કોંગ્રેસના આગેવાનોએ પણ રજૂઆત કરી છે. વહેલી તકે પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ કરવામાં આવી છે. જ્યારે રામદેવ મોઢવાડીયાએ પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે માત્ર તેઓના જાણીતાઓ અને વીઆઈપી એરિયામાં પાણી સમયસર આપવામાં આવે છે. પંરતુ સામાન્ય લોકોના વિસ્તારમાં પાણી નથી પહોંચતું. લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. જો પાણી યોગ્ય સમયે નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ કોંગ્રેસના આગેવાન રામદેવભાઈએ ઉચ્ચારી હતી.