પોરબંદરઃ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સારો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જિલ્લામાં અત્યાર સુધી વરસેલા વરસાદના આંકડા જોઇએ પોરબંદર તાલુકામાં 1197 MM, કુતિયાણા તાલુકામાં 1328 MM અને રાણાવાવ તાલુકામાં 1406 MM વરસાદ નોંધાયો છે.
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભુખી ગામ પાસે આવેલો ભાદર-2 ડેમ નિર્ધારિત સપાટીએ ભરાઇ ગયેલો હોવાના લીધે રવિવારે સવારે તંત્ર દ્વારા ડેમના પાંચ દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યાં હતા અને ત્યારબાદ સાંજે 6:30 કલાકે દસ દરવાજા પાંચ ફૂટ ખોલવામાં આવ્યા હતા, જેના કારણે પોરબંદર જિલ્લાના ૧૪ ગામડાને અસર થતી હોવાને કારણે કુતિયાણા તાલુકાના ગામડાઓમાં નદીના પટ વિસ્તારમાં લોકોને અવરજવર નહીં કરવાની તેમજ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી હતી.
જેમાં પોરબંદર જિલ્લાના ઘેડ વિસ્તારના ગરેજ, ચિકાસા, નવીબંદર, મિત્રાળા તેમજ કુતિયાણા પંથકના રોઘડા, ચૌટા, થેપડા, માંડવા, કાટવાણા, કુતિયાણા, પસવારી, સેગરસ ભોગસર અને છત્રાવા ગામને એલર્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કુતીયાણાથી ઘેડ પંથકમાં જતા પુલ પરના રસ્તામાં પાણી ફરી વળતા ૧૦ ગામો સુધીનો સંપર્ક તૂટ્યો હતો અને ખેડૂતો સહિતના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.