પોરબંદરઃ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પોરબંદર છાંયા નગરપાલિકાના વોર્ડ બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. જેમાં પોરબંદર છાંયા નગરપાલિકાને 13 વોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે, તથા 52 બેઠકો કાઉન્સેલરની નક્કી કરવામાં આવી છે. તેમજ જાહેરનામાથી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ તેમજ સ્ત્રી માટે અનામત બેઠકોની સંખ્યા પણ નિર્ધારિત કરવામાં આવી છે.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પોરબંદર છાંયા નગરપાલિકાની ચૂંટણી માટે શહેરના વોર્ડોનું સીમાંકન તથા અનામત બેઠકોની ફાળવણી અંગેનો પ્રાથમિક આદેશ કરવામાં આવ્યો છે. જે મુજબ વોર્ડ નં 13, 4, 6 અને 2ની બેઠક અનુસૂચિત જાતિની બેઠક જેમાં વોર્ડ નં. 4 અને 2 વોર્ડ નંબર અનુસૂચિત જાતિ સ્ત્રી માટે રહેશે, તથા વોર્ડ નં. 7, 8, 2, 1 અને 3ની બેઠક અન્ય પછાત વર્ગ માટે ફાળવવામાં આવી છે. જેમાં વોર્ડ નં. 8 અને 1 અન્ય પછાત વર્ગ સ્ત્રી માટે રહેશે.
પોરબંદર છાંયા નગરપાલીકાના સૂચિત વોર્ડ સિમાંકન તથા અનામત બેઠક ફાળવણી સામે કોઇ પક્ષ કે, જાહેર જનતાને સૂચનો કરવા હોય તો આ આદેશની તારીખથી (તા.03/09/2020થી) 10 દિવસમાં સચિવ, રાજ્ય ચૂંટણી આયોગ, બ્લોક નં. 9, 6ઠ્ઠો માળ, સચિવાલય, ગાંધીનગરને પહોંચે તે રીતે મોકલી આપવાના રહેશે. આ સુચનોની એક નકલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પોરબંદરને પણ આપવાની રહેશે. મુદ્દત પુરી થયા બાદ મળેલા સૂચનો ધ્યાનમાં લેવામાં આવશે નહી.
આ પ્રાથમિક આદેશની તમામ વિગતવાર માહિતી નગરપાલીકાના નોટીસ બોર્ડમાં જોઇ શકાશે અને તે અંગેની સૂચનાં અધિક કલેકટર પોરબંદર દ્વારા સબંધિત કચેરીને આપવામાં આવી છે. ત્યારે આ નિર્ણયથી નાગરિકોએ અભિપ્રાય આપ્યો હતો કે, નગરપાલિકાના નવા સીમાંકનથી લોકોની મુશ્કેલીમાં વધારો થશે.