પોરબંદર: રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે અનેક જાહેરાતો કરવામાં આવે છે. અનેક યોજનાઓ પણ બહાર પાડવામાં આવે છે પરંતુ પોરબંદર એટલે કે સત્ય અને અહિંસાના પૂજારી એવા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ અને સરકાર સુદામાની કર્મભૂમિની મુલાકાતે આવતા લોકોને હાલાકી ભોગવવાનો આવો આવે છે. ઉલ્લેખનીય છે કે અહીંયા દેશ-વિદેશના પ્રવાસીઓ આવે તો છે પરંતુ ગાઈડ અને કર્મચારીઓના અભાવને કારણે તેઓને સુવિધાઓ મળતી નથી.
આ ભૂમિ વિશે કોઈ ચોક્કસ માહિતી પ્રવાસીઓને આપવામાં આવતી ન હોવાથી માત્ર ફોટા અને દર્શન કરીને જ પ્રવાસીઓ પરત ફરે છે. પ્રવાસન સ્થળ પર એક પણ પ્રવાસન વિભાગ દ્વારા ઓફિસ કે કર્મચારી રાખવામાં આવ્યા નથી જેને લઈને અનેક મુસાફરોને પોરબંદરમાં ફરવાના કેટલા કેટલા સ્થળો છે તેની માહિતીનો પણ અભાવ હોવાના કારણે પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાય છે.
'હાલ શિયાળાની ઋતુમાં મોટાભાગના શાળાના પ્રવાસો થતા હોય છે ત્યારે આણંદ જિલ્લામાંથી એક ગામના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળી કુલ 225 લોકો સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળ્યા હતા. શિક્ષક સેતુભાઈ પટેલે જણાવ્યું હતું કે બાળકો માત્ર ફોટા જોઈને અધૂરી માહિતી મેળવી રહ્યા છે. જો કોઈ નિષ્ણાંત ગાઈડ અહીં રાખવામાં આવે તો બાળકોને વ્યવસ્થિત રીતે માહિતી મળે.' - સેતુભાઈ પટેલ, શિક્ષક (પ્રવાસી)
ગાઈડની વ્યવસ્થા નથી: અહીંયા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મુલાકાત માટે આવતા હોય છે ત્યારે ગાંધીજી વિશેની માહિતી તેમના જીવનની ગાથા જાણવી પણ વિદ્યાર્થીઓ માટે ભવિષ્યમાં ઉપયોગી નીવડે છે. આ સ્થળ પર જ કોઈ પણ માહિતી ઉપલબ્ધ કરાવવા માટે ગાઈડની વિશેષ જરૂર રહે છે. ગાઈડની વ્યવસ્થા ન હોવાના કારણે અનેક વિદ્યાર્થીઓ માત્ર ફોટા જોઈને પરત ફરે છે. પ્રવાસન વિભાગ દ્વારા નક્કર પગલા લેવામાં આવે અને દરેક પ્રવાસન સ્થળ પર એક કર્મચારી તરીકે મુકવામાં આવે તેવી પ્રવાસીઓમાં માંગ ઉઠી છે.
પ્રવાસન વિભાગ રામ ભરોસે: પોરબંદરમાં ચોપાટી ખાતે આવેલ તોરણ ટુરિસ્ટ બંગલો હાલ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપમાં આપી દીધેલો હોવાથી નવીનીકરણ થઈ રહ્યું છે પરંતુ ત્યાં એક પ્રવાસન વિભાગની ઓફિસ આવેલી હતી. વર્ષોથી તેનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી. આથી પોરબંદરમાં આવતા પ્રવાસીઓને અન્ય સ્થળોની માહિતી મેળવવામાં પણ તકલીફ થઈ રહી છે. પોરબંદરમાં સુદામા મંદિર, સાંદિપની આશ્રમ, રંગબાઈ મંદિર તથા જાંબુવતીની ગુફા કેટલા અંતરે આવેલી છે તે માહિતી મળી રહે તેવી પ્રવાસન વિભાગની કચેરી જ નથી. આથી પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. આ ઉપરાંત પોરબંદરની ચોપાટી પર ગાંધી સ્મૃતિ ભવન પણ આવેલું છે જે અંગે પણ કોઈ પણ પ્રવાસીને ખબર જ નથી. આથી પોરબંદર સ્થાનિક લેવલ વહીવટી તંત્ર દ્વારા નિમણૂક કરવામાં આવે તેવી માંગણી કોંગ્રેસના અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયાએ પણ રાજ્યના પ્રવાસન મંત્રીને લેખિતમાં કરી છે.