- રાજકોટના એક તબીબે ગાંધીના ચોપડાના એક-એક પન્ના શોધી બુક બનાવી
- મેડિકલ કોલેજોમાં MBBSની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે અપાઈ છે બુક
- મેડિકલ ક્ષેત્રની પરીક્ષાઓમાં અનેક વાર નિષ્ફ્ળતા બાદ સફળતા મળી
- ડો.સુરેશ ગાંધી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં પ્રથમ એમ.ડી બેન્ચમાં પાસ થનારા વિદ્યાર્થી
પોરબંદર: પોરબંદરનું નામ આવે એટલે સત્ય અને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધી સૌને યાદ આવે છે. મહાત્મા ગાંધીજીનો લેખિત ચોપડો હશે પરંતુ ના આ ડો.ગાંધી હાલ પોરબંદરમાં વસે છે અને તેમના મેડિકલ ક્ષેત્રના અભ્યાસ દરમિયાન લખેલી રફ નોટ જે ગાંધીના ચોપડા તરીકે પ્રસિદ્ધ છે. આ ચોપડાને રાજકોટના એક તબીબે "માસ્ટર કી ક્લિનિકલ એક્ઝામિનેશન ઈન મેડિસિન" ના નામેં બુક સ્વરૂપે પ્રસિદ્ધ કરી છે. જે અનેક મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક અપાઈ રહી છે અને ઉપયોગી પણ બની રહી છે.
એન્જીનીયરીંગનો અભ્યાસ ન ફાવતા B ગ્રુપમાં અભ્યાસ કર્યો
ગાંધીજીએ રક્ત પિત્તના અનેક દર્દીઓની સેવા કરી હતી. તેવી રીતે જ સેવાની ભાવનાથી મેડિકલ ક્ષેત્રમાં પ્રદાન આપનારા પોરબંદરના તબીબ સુરેશચંદ્ર અનોપચંદ ગાંધીનો જન્મ 24 જૂન 1940માં ભાવનગરમાં થયો હતો. ડો. ગાંધીના પિતા અનોપચંદ એ સમયે ભાવનગરમાં ગુજરાત મેરિટાઇમ બોર્ડ (પોર્ટ ઓફિસ )માં ઓવરસીયર તરીકે સર્વિસ કરતા હતા. 5 ભાઈ અને 2 બહેનોમાં સુરેશ બીજા નમ્બરના પુત્ર હતા. સમય જતા પિતાની બદલી સુરત થતા ત્યાં સેકન્ડરી અભ્યાસ બાદ પિતાની બદલી ભુજ-મુદ્રામાં થતા આલ્ફ્રેડ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. આ બાદ ફરી ભાવનગરમાં બદલી થતાં સુરેશ ગાંધીએ ધોરણ 11 સાયન્સમાં એ વિભાગ રાખી પિતાની જેમ એન્જીનીયર બનવાનું સપનું સેવ્યું હતું. પરંતુ એક જ મહિનામાં એન્જીનીયરીંગનો અભ્યાસ ન ફાવતા B ગ્રુપમાં અભ્યાસ શરૂ કર્યો અને ધોરણ 12 સાયન્સમાં 56 % માર્ક્સ મેળવી પાસ થયા હતા.
અભ્યાસ દરમિયાન સ્ટુડન્ટ યુનિયનના સેક્રેટરી બન્યા અને પરીક્ષામાં નાપાસ થયા
સુરેશ ગાંધીએ 12 સાયન્સ બાદ જામનગરની એમ પી શાહ કોલેજમાં એડમિશન મળતા પિતાએ પણ જામનગર બેડી પોર્ટ ખાતે બદલી કરાવી અને સહ પરિવાર જામનગરથી 3 કિમિ દૂર બેડી કોલોનીમાં રહેતા હતા. એમ પી શાહ કોલેજમાં MBBSના એનોટોમીના પ્રોફેસર ભાર્ગવ સર ખુબ પ્રેમથી ભણાવતા અને ઠપકો પણ આપતા હતા. સેકન્ડ MBBSમાં કોલેજમાં સ્ટુડન્ટ યુનિયન ઈલેકશનમાં બિનહરીફ સેક્રેટરી તરીકે ચૂંટાયા અને એક વર્ષ સુધી પ્રવૃત્તિ કરી અને વાર્ષિક સંમેલનો અને નાટકો કર્યા જેના ફળ સ્વરૂપે MBBS સેકન્ડની પરીક્ષામાં નાપાસ થયા ફરી વાર કરેલા પ્રયત્નમાં તમામ વિદ્યાર્થીઓમાં પ્રથમ આવતા મેડીકલ ક્ષેત્ર સાથે માયા બંધાઈ અને આગળ વધવાનું નક્કી કર્યું હતુ, MBBS સારા ગુણ સાથે પાસ કર્યું. ઇરવિન હોસ્પિટલમાં ઇન્ટરશીપ કરી હતી બાદ એમડી મેડિકલમાં એડમિશન લીધું હતુ.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની ડોક્ટર ઓફ મેડિસિન ડિગ્રીની પ્રથમ બેન્ચમાં પ્રથમ વાર પરિણામ 0 ટકા
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા 1967માં પ્રથમ વાર શરૂ કરાયેલા એમ ડી મેડિસિનની પ્રથમ બેન્ચમાં સુરેશ ગાંધી તથા અન્ય 2 મિત્રો એમ માત્ર 3 જ વિદ્યાર્થીઓ હતા. પ્રથમ વાર યોજાયેલા પરીક્ષામાં ત્રણેય નાપાસ થયા જેથી પ્રથમ બેન્ચનું પ્રથમ પરિણામ 0 ટકા હતું. ત્યાર બાદ 6 મહિના પછી ત્રણેય વિદ્યાર્થીઓએ ફરીથી પરીક્ષા આપી સુરેશ ગાંધીને હતું કે, ક્યારેય પાસ નહીં થઈ શકે પરંતુ તે એક જ પ્રથમ વાર પાસ થયા હતા.
"માસ્ટર કી ક્લિનિકલ એક્ઝામિનેશન ઈન મેડિસિન "નામનું પુસ્તક પ્રસિદ્ધ કર્યુ
MDની પરીક્ષામાં થિયરીની એક્ઝામ અને પ્રેક્ટિકલ વચ્ચે એક મહિનાનો સમય હતો, તે સમયે રાજકોટમાં રહેતા મધુબેન સાથે સુરેશ ગાંધીના લગ્ન થયા હતા, લગ્ન બાદ પત્ની સાથે સમય પસાર કરવાના બદલે તેઓએ MBBSની ફાઇનલ પરિક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ માટે ચોપડો લખ્યો હતો. આ ચોપડો અંદાજે 60 પાનાંનો હતો. જેમાં એક્સરે, ઈસીજી અને પેથોલોજી સ્પેશીમેનના રીડિંગ, વાઇવા, શોર્ટ કેસ, લોન્ગ કેસ, એનું ડિક્સન અને તેના પર ક્યાં સવાલ પુછાય છે, તે વિશે એકદમ શોર્ટ અને સ્વીટ ચોપડો બનાવ્યો હતો. જે ગાંધીના ચોપડા તરીકે પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ ચોપડો અનેક તબીબો માટે ઉપયોગી સાબિત થયો હતો. અમુક લોકો પાસે જ હતો અને 5 વર્ષ પહેલા રાજકોટના એક જાણીતા તબીબ ડો. દેવેન્દ્ર દેકીવાડીયા અને તેમના પત્નીને આ ચોપડાના અમુક પન્ના મળ્યા અને તેઓએ અનેક લોકોની મદદથી આ ચોપડાના તમામ પેજ મેળવી અને સુરેશ ગાંધી સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી આ ચોપડાને નવા સ્વરૂપે "માસ્ટર કી ક્લિનિકલ એક્ઝામિનેશન ઈન મેડિસિન "નામથી બુક પ્રસિદ્ધ કરી હતી. આ પુસ્તકની 1000 જેટલી કોપી છપાઈ અને આજે જામનગર, રાજકોટ અને જૂનાગઢ સહિતની મેડિકલ કોલેજમાં વિનામૂલ્યે અપાઈ છે.
આ પણ વાંચો: Simple Living High Thinking: અંજારના ડૉક્ટર દંપતિની સાદું જીવન ઉચ્ચ વિચારને સાર્થક કરતી જીવનશૈલી
આ પુસ્તક તબીબી જગત માટે મીની ગીતા
આજે મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરતા અનેક MBBS તબીબની ફાયનલ પરીક્ષાર્થીઓ માટે આ બુક ઉપયોગી સાબિત થઈ છે, સુરેશ ગાંધીના પિતા અનોપચંદ ગાંધીજીની જેમ સાદું જીવન જીવતા, નિત્ય યોગ અને સાદો ખોરાક તથા જીવદયાનું કામ કરવાનો સંદેશ આપતા હતા. આજે સુરેશ ગાંધી પણ પોતાના પિતાના આદર્શોના પગલે ચાલી રહ્યા છે. સુરેશ ગાંધીથી પ્રભાવિત થઇે તેમની 2 બહેનોમાં એક સુધા બેને પણ મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરી ગાયનેક બન્યા અને હાલ તેઓ બોસ્ટન (અમેરિકા) છે, જયારે બીજા બહેન સરોજ બેન MBBSની ડિગ્રી પ્રાપ્ત કરી મૉંબાસા સ્થાઈ થયા છે. શક્ય હોય ત્યાં સુધી સમાજ સેવા કરવી અને લોકોને ઉપયોગી બનવું અને જીવનમાં હંમેશા પોઝિટિવ રહેવું અને કોઈપણ ક્ષેત્રમાં કાયમ અપડેટ રહેવા માટે ડો .સુરેશ ગાંધીએ ETV BHARATના માધ્યમથી ભાવિ તબીબોને સંદેશો પાઠવ્યો હતો.