પોરબંદર: આજે અક્ષય તૃતીયાના દિવસે પોરબંદરમાં કૃષ્ણ શાખા સુદામાના મંદિરમાં સુદામા અને સુશીલા જીની મૂર્તિના ચરણ સ્પર્શનો અનોખો મહિમા જ છે. આજના દિવસે ચરણ સ્પર્શ માટે મંદિરના દ્વાર ખુલ્લા મુકવામાં આવે છે. મોટી સંખ્યામાં ભક્તોની ભીડ સુદામા મંદિરે ઊમટી હતી. અહીં ગર્ભગૃહ મધ્યે શ્રીસુદામાજીની દિવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.
આજના દિવસે સુદામા તેના સખા શ્રીકૃષ્ણને મળવા ગયા હતા: પૌરાણિક કથા મુજબ પોરબંદરમાં રહેતા ગરીબ સુદામા આજના દિવસે તેમના સખા શ્રી કૃષ્ણને મળવા ગયા હતા. તેઓની પત્ની સુશીલાએ પાડોશી પાસેથી તાંદુલ લઈને આપ્યા હતા જે તેઓ સાથે લઈ ગયા હતા અને શ્રી કૃષ્ણએ આ તાંદુલનો પ્રસાદ લીધો હતો. ત્યારથી આ મંદિર માં તાંદુલનો પ્રસાદ આપવામાં આવે છે અને અક્ષય તૃતિયાના દિવસે સુદામાની મૂર્તિને ભક્તો ચરણ સ્પર્શ માટે મંદિરમાં અંદર પ્રવેશવા દેવામાં આવે છે.
ભજન કીર્તન સાથે કરે છે ભક્તો સુદામાના દર્શન: આજરોજ અક્ષયતૃતીયાના દિવસે ભગવાન કૃષ્ણના સખા સુદામાના ચરણ સ્પર્શ કરવાની પરંપરા વર્ષોથી ચાલતી આવે છે. આજે સવારે 8.30 વાગ્યેથી રાત્રીના 11 કલાક સુધી દર્શન ખુલા મુકવામાં આવે છે અને ભક્તો ધૂન, ભજન અને કીર્તન કરતા કરતા સુદામાના દર્શન કરવા આવે છે. પૂજારી ઘનશ્યામ રામાવતે જણાવ્યું હતું કે વર્ષો પહેલા સુદામા મંદિર નાનું હતું. અહીં નાટક મંડળીએ ફાળો કર્યો હતો તથા અહીંના રાજાએ જમીન આપી અને મોટું મંદિરનું નિર્માણ કર્યું હતું.
સુદામા-કૃષ્ણના એકસાથે દર્શન: સુદામાપુરીના મંદિરમાં સુદામા અને શ્રીકૃષ્ણ બંન્ને ભક્તોને એકસાથે દર્શન આપી રહ્યા છે. અહીં ગર્ભગૃહ મધ્યે શ્રીસુદામાજીની દિવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. સુદામાજીની ડાબી તરફ તેમના પત્ની સુશીલાજી બિરાજમાન છે. તો સુદામાજીની જમણી તરફ તેમના પરમ સખા શ્રીકૃષ્ણ રાધારાણી સાથે ભક્તોને દર્શન આપી રહ્યા છે. આમ તો સમગ્ર વર્ષ દરમિયાન શ્રદ્ધાળુઓ અહીં મોટી સંખ્યામાં ઉમટતા જ રહે છે. પરંતુ, અહીં અખાત્રીજના અવસરે દર્શનનો સવિશેષ મહિમા છે.
આ પણ વાંચો Ganesh Chaturthi 2023: અખાત્રીજ પછી આવતી ગણેશ ચતુર્થીનું ધાર્મિક મહત્વ
જિલ્લા કલેકટરે કર્યા સુદામાજીના દર્શન: પોરબંદરમાં 15 દિવસથી નવા નિમણુંક પામેલ જિલ્લા કલેકટર કે.ડી લાખાણીએ પણ સુદામા મંદિરની મુલાકાત લઈ ચરણસ્પર્શ કરી ધન્યતા અનુભવી હતી અને આ પરંપરા જીવંત રાખી છે. જેમાં વહીવટી તંત્ર અને મંદિરમા ભક્તો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. લોકો વધુમાં વધુ દર્શનનો લાભ લે તેવી વિનંતી કરી હતી.
આ પણ વાંચો Swachchhata Abhiyan Vadodara: કુબેર ભંડારી ખાતે મુખ્ય દંડકની ઉપસ્થિતિમાં યાત્રાધામ સફાઈ અભિયાન