- ચૂંટણીની અસરથી અમુક બિસ્માર રસ્તાઓ તાત્કાલિક રીપેર કરાયા
- લાઈટ અને પીવાના પાણીની સમસ્યા ટળી
- પોસ્ટ ઓફિસ અને હોસ્પિટલની સુવિધા વધારવાની માંગ
પોરબંદરઃ ચૂંટણી લોકશાહીનો પર્વ છે અને પાંચ વર્ષ બાદ ચૂંટાયેલા નેતાઓની કામગીરીના લેખાજોખા કરવાનો સમય છે. નેતાઓ ચૂંટણી સમયે વાયદા કરીને લોકો પાસેથી મત મેળવે છે, ત્યારે વૉર્ડ નંબર 1 માં સ્થાનિકોને કઈ કઈ સમસ્યાઓ છે તે અંગે પોરબંદર છાયા નગરપાલિકા વોર્ડ નંબર 1 ના સ્થાનિકોએ જણાવ્યું હતું કે, રસ્તાઓ, પાણી અને લાઈટની સમસ્યા મહદંશે નિવારવામાં આવી છે. પરંતુ મુખ્ય રસ્તો બનાવવામાં કચાસ જોવા મળી હતી. આ વિસ્તારમાં ગંદકીની સમસ્યા પણ જોવા મળી હતી ઉપરાંત પોસ્ટ અને હોસ્પિટલ જેવી સુવિધાની લોકોએ માંગ કરી હતી. તથા મહિલાઓએ ગૃહ ઉદ્યોગ આપવાની માંગ કરી હતી.
પાણીની લાઈન અંગે અનેક વાર રજુઆત
બોખીરા વિસ્તારમાં પીવાના પાણીની લાઈન અંગે અનેક વાર રજુઆત કરી હોવા છતાં ઘરમાં પાણીની લાઈન ન મળી હોવાથી મહિલાઓને મુશ્કેલી પડી રહી હોવાનું મહિલાઓએ જણાવ્યું હતું.
આ વૉર્ડમાં આ વિસ્તારોનો સમાવેશ
વોર્ડ નંબર 1માં રામકૃષ્ણ મિશનથી ગામના સીમાડા સુધી નેશનલ હાઇવે ક્રોસ કરી હનુમાન મંદિર વાળા વિસ્તાર આવરી લઇ બોખીરા વાળીવિસતાર તથા પાંડાવદરના સીમાડા સુધીનો તેમજ પાંડાવદરના સીમાડાની હદથી કોલીખડા સીમાડાની હદે પીરા ગાર વાડી વિસ્તાર તથા ગાયત્રી પ્લોટના વિસ્તારનો સમાવેશ થાય છે, આ ઉપરાંત શંકર મંદિર સરકારી વાવ વાળો વિસ્તાર, ગુરુકુળ તારા મંદિર વાળો વિસ્તાર, દક્ષિણ તરફ ખાડી સુધી જઈ ત્યાંથી ખાડીના સમાંતર ચાલીને તિરુપતિ મંદિર કુમાર શાળા વિસ્તાર, જશુબેન કારાવદરા દવાખાના વાળો વિસ્તાર, સતી માતાનું મંદિર, ડાંડિયારાસ ચોક વિસ્તાર આવરી લઇ તુંમડા વિસ્તાર ચમ આઇસ ફેક્ટરી વિસ્તાર અને ત્યાંથી કે કે નગર વિસ્તારનો સમાવેશ થાય છે.