પોરબંદરમાં રામનવમીના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી શોભાયાત્રાને સફળ બનાવવા સહભાગી બન્યા હતા. ત્યારે રામનવમીના દિવસે બપોરના ત્રણ વાગ્યે આ શોભાયાત્રા શહેરના જાનકી મઠ મંદિરથી નીકળી હતી. જેમાં 25થી પણ વધુ ફ્લોટ રાખવામાં આવ્યા હતા. સાથે જ અલગ-અલગ વાહનોમાં બાળકોએ દેવી-દેવતાઓ અને ભારતમાતા સહિત લશ્કરના જવાનોની વેશભૂષા ધારણ કરીને લોકોમાં દેશ પ્રત્યેની ભાવના પ્રગટ કરી હતી. આ ઉપરાંત, શોભાયાત્રાના રૂટ પર વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણી વિતરણ તથા સરબત સહિત પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ શોભાયાત્રામાં પ્રભુ રામના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. પ્રભુ રામની શોભાયાત્રાનું પોરબંદરના મુસ્લિમ બિરાદરોએ પણ સ્વાગત કરીને કોમી એકતા દાખવી હતી. તો આ પ્રસંગે ભાજપ તથા કોંગ્રેસના અગ્રણીઓએ પણ ઉપસ્થિત રહીને પ્રભુ રામના દર્શન કર્યા હતા.