- રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર બોટનું રજિસ્ટ્રેશન તથા ફિશિંગ લાયસન્સ રદ
- આતંકવાદીઓએ મુંબઈ બ્લાસ્ટમાં કુબેર નામની ભારતીય બોટનો ઉપયોગ કર્યો હતો
- કુબેરને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય
પોરબંદરઃ પોરબંદર નજીક ભારતીય જળ સરહદ પરથી અનેક વાર પાક મરીન સિક્યુરિટી ફોર્સ દ્વારા ભારતીય બોટ અને માછીમારોને પકડવામાં આવે છે, ત્યારે આ બોટનો દૂર ઉપયોગ કરી ભારતમાં ફરી ન આવે તે હેતુથી પાકિસ્તાનમાં ઝડપાયેલી બોટનું રજિસ્ટ્રેશન ફિશરીઝ વિભાગ દ્વારા રદ કરવામાં આવે છે. પોરબંદરમાં આવી એક બોટનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર આ બોટનું રજિસ્ટ્રેશન તથા ફિશિંગ લાયસન્સ રદ
પોરબંદરની મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી દ્વારા જણાવાયું છે કે, પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા પકડવામાં આવેલી અને પાકિસ્તાનના વિવિધ બંદરોએ રાખવામાં આવેલી ગુજરાતની 1 ફિશિંગ બોટ પોરબંદર ખાતે રજિસ્ટર્ડ થયેલી છે. રાષ્ટ્રીય સુરક્ષાના અગ્રીમ કારણોસર આ બોટનું રજિસ્ટ્રેશન તથા ફિશિંગ લાયસન્સ રદ કરવામાં આવ્યું છે.
પાકિસ્તાનમાં ઝડપાયેલી બોટનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓમાં થઈ શકે છે
મુંબઈ બ્લાસ્ટમાં કુબેર બોટનો ઉપયોગ આતંકવાદીઓએ કર્યો હતો. જેથી ભારતીય સરહદ પરથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સ દ્વારા ઝડપાયેલી ભારતીય બોટનો દુરુપયોગ કરી આતંકવાદી પ્રવૃત્તિમાં પણ થઈ શકે છે. જેને ધ્યાનમાં રાખી સુરક્ષાના હિસાબે ગુજરાત સરકારના મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા પાકિસ્તાનમાં ઝડપાયેલી બોટનું રજિસ્ટ્રેશન રદ કરવાનો નિર્ણય લેવાયો છે.