- રાજયમાં માત્ર 5 ટીબી હોસ્પિટલની એવોર્ડ માટે પસંદગી કરાઈ
- ટૂંક સમયમાં જ આપવામાં આવશે એવોર્ડ
- દિલ્હી સ્થિત સેન્ટ્રલ ટીબી ડીવીઝનની ટીમે સર્વે હાથ ધર્યો હતો
પોરબંદર: જિલ્લામાં કોરોનાની મહામારી વચ્ચે 2020માં ટીબીના નિયંત્રણ માટે કરવામાં આવેલી કામગીરીની નોંધ લેવામાં આવી છે. પોરબંદર જિલ્લાને શ્રેષ્ઠ કામગીરી બદલ અને ટીબીના કેસોના ઘટાડા માટે લેવાયેલા પગલા બદલ એવોર્ડ આપવામાં આવશે. જિલ્લા કલેકટર ડી.એન. મોદીએ જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી અને આરોગ્ય વિભાગના કર્મચારીઓને અભિનંદન આપ્યા છે.
જિલ્લામાં 2015ની સરખામણીએ 2020માં ટીબીના કેસોમાં 20 ટકાનો ઘટાડો
સ્ટેટ ટીબી ડિવિઝન દ્વારા પોરબંદર જિલ્લાનુ નામ સબ નેશનલ સર્ટિફિકેશન માટે સેન્ટ્રલ ટીબી ડીવીઝનને મોકલવામાં આવ્યું હતું. દિલ્હી સ્થિત સેન્ટ્રલ ટીબી ડિવિઝન દ્વારા પોરબંદર જીલ્લામાં સર્વે હાથ ધરાયો હતો. જેમાં 2015ની સરખામણીએ 2020માં જિલ્લામાં ટીબીના કેસો માં 20 ટકાનો ઘટાડો સામે આવ્યો હતો. જેથી ટીબી ડીવીઝન દ્વારા પોરબંદરની ટીબી હોસ્પિટલને બ્રોન્ઝ મેડલ એનાયત કરવાની જાહેરાત કરાઈ છે. જે ટૂંક સમયમાં જ આપવામાં આવશે. સમગ્ર ગુજરાત રાજયમાં માત્ર પાંચ ટીબી હોસ્પિટલ આ એવોર્ડ માટે સિલેક્ટ કરાઈ છે. જેમાં પોરબંદર ઉપરાંત દેવભૂમિ દ્વારકા,બોટાદ,મહેસાણા અને રાજકોટની ટીબી હોસ્પિટલનો સમાવેશ થાય છે.