પોરબંદર: સૌરાષ્ટ્ર તમિલ સંગમમ"પોરબંદર-દ્વારકા વચ્ચે આવેલા મૂળ દ્વારકા યાત્રાધામના તમિલ લોકો દર્શન કરવા પહોંચ્યા હતા. પોરબંદરની સાંસ્કૃતિક ઓળખ મણીયારો રાસ જોઈને તમિલ પરિવારો ઉત્સાહિત થયા હતા. તમિલનાડુથી પોતાના મૂળ વતન સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલા સૌરાષ્ટ્રીયન તમિલ પરિવારો આજે પોરબંદર જિલ્લાના વિસાવાડા ગામે આવેલ મૂળ દ્વારકા તીર્થધામ ખાતે પધાર્યા હતા. અહીં પ્રવાસન પ્રધાન મુળુભાઈ બેરા, સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા સહિત અગ્રણીઓએ તમિલ પરિવારોનો ફૂલહારથી સ્વાગત કર્યું હતું.
સૌરાષ્ટ્ર તમિલ સંગમમ: કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી સૌરાષ્ટ્ર તમિલ સંગમમ યોજાઈ રહ્યો છે. આ તકે કેબિનેટ પ્રધાન મુળુભાઈ બેરા એ જણાવ્યું હતું કે, મૂળ સૌરાષ્ટ્રના અને અત્યારે તમિલનાડુ રહેતા તમિલ પરિવારો પોતાના વતનની મુલાકાત કરી શકે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી સૌરાષ્ટ્ર તમિલ સંગમમ યોજાઈ રહ્યો છે. જેમાં તબક્કાવાર તમિલ પરિવારો સૌરાષ્ટ્રમાં આવીને સોમનાથ દાદાના દર્શન, ગીર નેશનલ પાર્કની મુલાકાત, દ્વારકા યાત્રાધામમાં દર્શન કરવાની સાથે અહીંના સાંસ્કૃતિક ધરોહરથી વાકેફ થઇ રહ્યા છે.
આ પણ વાંચો Water Crisis in Porbandar : 12 દિવસથી પાણી વિના ટળવળતા વિસ્તાર, પોરબંદરમાં પાણીની પારાયણ
તમિલ પરિવારોનું સ્વાગત કરાયું: પોરબંદર અને દ્વારકા વચ્ચે વિસાવાડા ગામ ખાતે આવેલા મૂળ દ્વારકા તીર્થધામ ખાતે ભગવાનના દર્શન કર્યા બાદ વિંઝાત ભક્ત મેર સમાજ વાડી ખાતે અગ્રણીઓ દ્વારા તમિલ પરિવારોનું સ્વાગત કરાયું હતું. આ તકે પોરબંદરની સાંસ્કૃતિક ઓળખ એવા મણિયારો રાસ નિહાળીને તમિલ પરિવારો ઉત્સાહિત થયા હતા. પારંપરિક મહેર પહેરવેશ દ્વારા બહેનો અને ભાઇઓએ મહેર રાસ ઢાલ તલવાર રાસ રજૂ કરી તમિલ પરિવારોનો ભાવભર્યું સ્વાગત કર્યું હતું.
મૂળ વતનની મિટ્ટીની સુગંધ: આ તકે તમિલનાડુ મદુરાઈથી આવેલા 28 વર્ષીય યુવાન હરીશે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઉમદા અભિગમથી આજે મને મારા મૂળ વતનની મિટ્ટીની સુગંધ લેવાની તક મળી છે. અહીંનું સોમનાથ મંદિર, ગીર નેશનલ પાર્ક ફર્યા બાદ આજે મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર તથા અહીંથી અમે દ્વારકા જઈશું. સિંહને મેં ફિલ્મોમાં અને ઝૂ મા જોયા હતા.
આ પણ વાંચો Porbandar News : રાજકોટ પોરબંદરના હાઇવે પરના 4 માંથી 2 ટોલનાકા રદ કરવાની માંગ
મંત્રમુગ્ધ થયા: સૌરાષ્ટ્રમાં આવીને ગીર નેશનલ પાર્કમાં ખુલ્લામાં સિંહને ફરતો જોઈને હું ખૂબ જ મંત્રમુગ્ધ થયો હતો. આ ઉપરાંત સોમનાથ મહાદેવનું ભવ્ય મંદિર અને તેની જાળવણી ખૂબ જ સારી રીતે કરવામાં આવે છે. આજે વિસાવાડામાં મૂળ દ્વારકા યાત્રાધામમાં દર્શન કરી અહીંના સાંસ્કૃતિક મહેર રાસ જોઈને મને પણ આ રાસ શીખવાનું ખૂબ જ મન થઈ ગયું હતું. આ તકે પ્રાંત અધિકારી જાડેજા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગોપાલભાઇ કોઠારી, કારોબારી સમિતિ ચેરમેન રમેશ ઓડેદરા, શિક્ષણ સમિતિના ચેરમેન આવડા ઓડેદરા નગરપાલિકાના પ્રમુખ સરજુ કારીયા, તાલુકા પંચાયતના પ્રમુખ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.