- કોરોના સામે લડવા સંસ્થાઓએ કોવિડ હેલ્પ એસોસિએશન બનાવ્યું
- એસોસિએશન વહીવટી તંત્ર સાથે સંકલન કરી દર્દીઓને મદદરૂપ થશે
- દર્દીઓને મદદ કરવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવી
પોરબંદરઃ પોરબંદરની તમામ સંસ્થાઓના આગેવાનોએ સાથે મળી કોરોના મહામારીનો સામનો કરવા કોવિડ હેલ્પ યુનિટની સ્થાપના કરી છે. વહીવટી તંત્રની સાથે સંકલન કરવા માટે એક સંકલન સમિતિની રચના પણ કરવામાં આવી છે, જેમાં હીરલબા જાડેજા, અનિલ કારિયા, લાખણસી ગોરાણીયા, રાજુ લાખાણી, કરસન સલેટ અને અનિલરાજ સંઘવીની નિમણૂક કરવામાં આવી છે. આ સંકલન સમિતિ અને અન્ય સામાજિક સંસ્થાઓ આગેવાનોની એક મિટિંગ મળી હતી, જેમાં હાલના સંજોગોમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ EXCLUSIVE: દર્દીઓ ઓક્સિજનના બાટલા પરત નહિ કરે તો પોલીસની મદદ લેવી પડશે: બોલબાલા ટ્રસ્ટ
હ્યુમિડી ફાયર (રેગ્યુલેટર) ખરીદવા
હાલ હોસ્પિટલોમાં દાખલ થતાં દર્દીઓને ઓક્સિજનની જરૂર પડે છે ત્યારે બાટલા મળી રહે છે, પરંતુ બાટલા ઉપર લગાવવામાં આવતા રેગ્યુલેટરની તંગી સર્જાઈ છે. એટલે આ કોવિડ હેલ્પ યુનિટ દ્વારા જ્યાંથી પણ મળે ત્યાંથી તાત્કાલિક વધારેમાં વધારે રેગ્યુલેટર ખરીદી દર્દીઓની સારવાર માટે ભાવસિંહજી હોસ્પિટલમાં આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ કોરોનાના કપરા કાળમાં ગૂગલ અને માઈક્રોસોફ્ટના CEO ભારતને મદદ કરશે
બે ઓક્સિજન મશીન અને અન્ય જરૂરી સાધનો ડોનેટ કરાયા
ભાવસિંહજી હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓની સારવાર માટે 65 હજાર રૂપિયાના બે ઓક્સિજન મશીન તથા બાટલાના સ્ટેન્ડ અને અન્ય જરૂરી સાધનો કોવિડ હેલ્પ યુનિટ મારફત ડોનરો દ્વારા દાનમાં આપવામાં આવ્યા હતા.
કલેક્ટર મંજૂરી આપશે તો ઓક્સિલન બેન્ક શરૂ કરાશે
સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં પણ દાખલ થવા ઘણા દર્દીઓને જગ્યા નથી મળતી. આવા સંજોગોમાં ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓને ઘરે ઓક્સિજનના બાટલાની સેવા મળી રહે તે માટે કલેકટર મંજૂરી આપે તો કોરોના હેલ્પ યુનિટ ઓક્સિજન બેન્ક શરૂ કરશે.
ટેલિ મેડિસીન સેવા શરૂ કરવા પ્રયાસ કરાશે
સામાન્ય બીમારીમાં હોસ્પિટલમાં થતો દર્દીઓનો ધસારો અટકાવવા અને હોસ્પિટલની ભીડમાં કોરોના સંક્રમણનું જોખમ ઘટાડવા કોવિડ હેલ્પ યુનિટ દ્વારા સેવા ભાવી ડોકટરોની સાથે સંકલન કરવામાં આવે છે. ત્યારબાદ દર્દીઓને ટેલિફોનથી ઘરે બેઠા જરૂરી દવા અને માર્ગદર્શન પૂરું પાડવા ટેલી મેડિસીન સેવા શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
છાયામાં સ્મશાન ચાલુ કરવા રજૂઆત કરાશે
પોરબંદર શહેરમાં દરરોજ 25થી 35 લોકોના મોત થાય છે. ત્યારે પોરબંદરમાં આવેલી વિદ્યુત સ્મશાન ભઠ્ઠી સવારથી રાત સુધી સતત ચાલુ રહેવાના કારણે ગરમ થઈ જાય છે. આમ જ લાંબા સમય સુધી જો આ વિદ્યુત સ્મશાન ભઠ્ઠીનો સતત ઉપયોગ કરવામાં આવશે તો ભઠ્ઠી ઓગળવાના અથવા ટેક્નિકલ ફોલ્ટ થવાની પૂરી શક્યતાઓ રહેલી છે. મૃતદેહના અંતિમ સંસ્કાર માટે અન્ય એક સ્મશાન ચાલુ કરવું જરૂરી છે. છાયા, ખાપટ અથવા બોખીરા ખાતે આવેલા સ્મશાન શરૂ કરવામાં આવે તો હાલના સંજોગોમાં પોરબંદર સ્મશાન ખાતે થતું ભારણ ઘટાડી શકાય તેમ છે. આથી હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી છાયા ખાતેનું બંધ સ્મશાન શરૂ કરાવવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવશે.
આર્થિક મદદ માટે નગરજનોને અપીલ કરવામાં આવી
કોવિડ હેલ્પ યુનિટ દ્વારા દર્દીઓને મદદરૂપ બનવા જે સહાયતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમાં કરસન સલેટ દ્વારા 2 લાખ રૂપિયા, હિરલબા જાડેજા તરફથી 1 લાખ, પદુભાઈ રાયચુરા તરફથી 50 હજાર રૂપિયા તથા અન્ય આગેવાનો દ્વારા પણ આર્થિક અનુદાન જાહેર કરવામાં આવ્યું છે. આ મહામારીમાં સંકટ સમયે દર્દીઓને મદદરૂપ થવા પોરબંદરની તમામ સામાજિક સંસ્થાઓ અને નગરજનોને અપીલ કરવામાં આવી છે. જે કોઈ ડોનેટ કરવા ઇચ્છતા હોય તેમણે કોવિડ હેલ્પ એસોસિએશનની સંકલન સમિતિના સભ્યોનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.