- શિક્ષણની ઉપલબ્ધતા, સમાનતા, ગુણવત્તા, સુલભતાના હેતુ પર કાર્યરત નવી શિક્ષણ નીતિ રાષ્ટ્રના નિર્માણમાં મહત્વનું યોગદાન પુરૂ પાડશે : ધનસુખ ભંડેરી
- શિક્ષક દિનની ઉજવણી સંદર્ભે પોરબંદરમાં જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ કાર્યક્રમ યોજાયો
- ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરીના અધ્યક્ષસ્થાને સાદગી પૂર્ણ યોજાયો
પોરબંદરઃ શિક્ષક દિનની ઉજવણી સંદર્ભે પોરબંદરમાં જિલ્લાકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ કાર્યક્રમ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરીના અધ્યક્ષસ્થાને સાદગીપૂર્ણ યોજાયો હતો. જેમા તાલુકા કક્ષાએ 4 અને જિલ્લાકક્ષાએ 4 એમ કુલ 8 શિક્ષકોને પારિતોષિક અને પુરષ્કાર આપી સન્માનિત કરાયા હતા.
કોરોના મહામારીના કારણે સાદગી પૂર્ણ યોજાયેલા કાર્યક્રમમાં ધનસુખભાઇએ કહ્યુ કે, શિક્ષણની ઉપલબ્ધતા, સમાનતા, ગુણવત્તા, સુલભતાના હેતુ પર કાર્યરત નવી શિક્ષણ નીતિ રાષ્ટ્રના નિર્માણમાં મહત્વનું યોગદાન પુરૂ પાડશે તેવા હેતુથી પૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનને યાદ કરી શિક્ષકોને શુભેચ્છા પાઠવવાની સાથે ધનસુખભાઇએ વધુમાં કહ્યુ કે, શિક્ષકોની સાચી પૂંજી મૂલ્ય અને ગુણો હોય છે. માનવ ઘડતર અને રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકનું મહત્વનું યોગદાન હોય છે. 22 વર્ષ સુધી શિક્ષક રહેલા ધનસુખભાઇએ વધુમાં કહ્યુ કે, દરેક શિક્ષક બાળકના મનમાં એક અલગ છાપ પાડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને નિષ્ણાતો દ્વારા તૈયાર કરાયેલી નવી શિક્ષણ નીતિથી સમગ્ર ભારતનાં વિદ્યાર્થીઓને એક સરખુ શિક્ષણ મળશે અને નવા ભારતનું સ્વપ્ન સાકાર થશે.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન મંજુબેન ઓડેદરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.ડી.ધાનાણી સહિત અધિકારીઓ, પદાધિકારીઓ તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.