પોરબંદરઃ સાંદિપનિ આશ્રમમાં અધિક-પુરૂષોત્તમ માસના પ્રથમ દિવસથી શ્રીમદ્ ભાગવત કથા-જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે. સંસ્કૃતિ ફાઉન્ડેશન-નોર્થ અમેરિકા અને કેનેડાના સંયુક્ત તત્ત્વાવધાનમાં યોજાયેલી આ શ્રીમદ ભાગવત કથા-જ્ઞાનયજ્ઞના પ્રારંભે રમેશ ઓઝા તથા સાંદીપનિનાં ઋષિકુમારોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું.
આરોગ્ય સંબંધી સંપૂર્ણ ધારાધોરણો-નિયમોના ચુસ્ત પાલન અને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે આ કથાનો સાંદીપનિ વિદ્યાનિકેતનથી આ કથાનો પ્રારંભ થયો હતો. યુ ટ્યૂબ તથા અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ પર ભારત ઉપરાંત, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિતનાં વિવિધ દેશોનાં શ્રોતાઓ જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે, દરરોજ સાંજે 4 થી 6:30 સુધી કથાનું જીવંત પ્રસારણ તેમજ તેના રેકોર્ડેડ પ્રસારણનો લાભ ટીવી ચેનલ ઉપર સવારે 10થી બપોરે 12:30 દરમિયાન લઈ શકાશે. કથાકાર રમેશભાઈ ઓઝાએ જણાવ્યું કે, શ્રીહરિ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા વર્ષ-2006માં થઈ ત્યારે શ્રીમદ્ ભાગવત કથા યોજાઈ હતી. ત્યારબાદ આજે એક માસ સુધી ચાલે તેવી કથા યોજાઈ રહી છે. વૈશ્વિક કોરોના મહામારીને પગલે ઊભી થયેલી પરિસ્થિતિને કારણે છ મહિના બાદ સૌપ્રથમવાર એક મહિના સુધીની કથાનો લાભ વિશ્વભરમાં ટેક્નોલોજીના કારણે પ્રાપ્ત થઈ રહ્યો છે.
તેમણે જણાવ્યું કે, કોઈપણ ગ્રંથ હોય તેનું માહાત્મ્ય જાણ્યા પછી જ તેના રહસ્યો ઉજાગર થઈ શકે છે, તેમ આપણે પણ આ શ્રીમદ્ ભાગવતનું માહાત્મ્ય સમજવું જોઈએ. આ શ્રીમદ્ ભાગવતના શ્રવણથી સર્વત્ર જ્ઞાનની સ્થાપના થઈ શકે છે અને સૌ ધર્મનો માર્ગ અપનાવે અને વૈરાગ્ય અને વિવેકને અપનાવી શકે તેનું જ્ઞાન આ પરમ પવિત્ર ગ્રંથના શ્રવણથી પ્રાપ્ત થઈ શકે છે, કેમ કે આ શ્રીમદ્ ભાગવત વેદ અને ઉપનિષદોનો સાર છે. વેદરૂપી કલ્પવૃક્ષનું પરિપક્વ ફળ છે.
રમેશ ઓઝાએ વધુમાં જણાવ્યું કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધ્યાત્મિક મહાપુરુષ છે. આવા ધર્મપ્રિય વડાપ્રધાનને તેમના જન્મદિવસના એક દિવસ બાદ જાહેરમાં-કથાના માધ્યમે આપણે તેને જન્મદિનની શુભકામના પાઠવીએ છીએ. તેઓએ સંસદભવનમાં પ્રવેશ પૂર્વે પ્રજાતાંત્રિક મંદિરને પગે લાગ્યા હતા. તેમજ બીજી વખત લોકસભામાં પ્રવેશ કર્યો ત્યારે તેમણે સંવિધાન ગ્રંથને પ્રણામ કર્યા હતા. અયોધ્યા-રામમંદિરના શિલાન્યાસ વિધિ વખતે રામલલ્લાનાં મંદિરમાં દંડવત કર્યા હતા, આવા આધ્યાત્મિક, ધર્મપ્રિય વડાપ્રધાન આપણને પ્રાપ્ત થયા છે.