પોરબંદર : કોરોના વાયરસનું સંક્રમણ પોરબંદર જિલ્લામાં વધે નહીં તે માટે જિલ્લા વહીવટી તંત્ર પોલીસ અને આરોગ્ય વિભાગના સંકલન હેઠળ હાલ બહારના રાજ્યમાંથી આવતા પ્રવાસી વતનીઓ પર દેખરેખ રાખી તેમને જરૂર મુજબ સરકારી કોરોન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવે છે. પોરબંદર જિલ્લામાં ચૌટા ચેકપોસ્ટ પર પોલીસ વિભાગ દ્વારા બહારના રાજ્યમાંથી આવતા પોરબંદર જિલ્લાના પ્રવાસી વતનીઓ પર દેખરેખ રાખવામાં આવે છે. આ ચેકપોસ્ટ પર વિશેષ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે અને સ્કિનીંગ કરીને જિલ્લા તંત્ર તેમજ આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવે છે. અમુક સમય સુધી પ્રવાસીઓને પોરબંદરમાં સરકારી કોરોન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવે છે.
જેમાં આરોગ્ય વિભાગ દ્વારા નિયમિત તપાસ કરવામાં આવે છે. પોરબંદર જિલ્લામાં જુદા જુદા સ્થળોએ કોરોન્ટાઇન સેન્ટર આવેલા છે. ખેતીવાડી વિભાગના આત્મા તાલીમ કેન્દ્ર ખાતે ઉભા કરાયેલા સેન્ટરની મુલાકાત લેતા બહારથી આવેલા પ્રવાસીઓએ જિલ્લાતંત્ર અને રાજ્ય સરકાર દ્વારા તેમને સારી સુવિધા આપવામાં આવતી હોવાનું જણાવ્યું હતુ. સરકાર દ્વારા કરવામાં આવતી વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. મુંબઈથી આવેલા શ્રેયાબેન શાહે જણાવ્યું હતું કે, તમામ સભ્યો માટે જમવાની અને રહેવાની સુવિધા તેમજ નિયમિતતા સ્વચ્છતા જાળવવામાં આવે છે. હૈદરાબાદથી આવેલા વલ્લભભાઈ સીયાણીએ જણાવ્યું હતું કે, કોરોન્ટાઇન સેન્ટરમાં કોઈપણ જાતની મુશ્કેલી નથી.
જેમાં આરોગ્ય વિભાગ દ્વારા ત્રણ વખત તપાસ પણ કરવામાં આવે છે. કોરોના વાયરસનુ સંક્રમણ વધે નહીં તે માટે તકેદારી રાખવા માટે જિલ્લાતંત્ર કર્મયોગીઓ દિન રાત કામ કરી રહ્યાં છે. તેને લોકો દ્વારા પણ આવકાર મળી રહ્યો છે. પોરબંદર જિલ્લાના લોકો પણ સાવચેત રહીને સોશ્યિલ ડીસ્ટન્સ રાખી અને માસ્ક પહેરીને રોજીંદા કામકાજ કરી રહ્યા છે.