ઈતિહાસકાર નરોત્તમ પલાણે ETV ભારત સમક્ષ જણાવ્યું હતુ કે, પોરબંદરની વિરાસતમાં દરિયામહેલ મૂલ્યવાન છે. અહીં આવેલા શીલાલેખ મુજબ વર્ષ 1904માં અને વિક્રમ સંવત મુજબ 1956 એટલે કે, છપ્પનિયકાળમાં મહેલ રાહતકાર્યમાં બનાવવામાં આવ્યો હતો.
તે વખતના ભાવનગરના રજવાડા દ્વારા કાર્યમાં વધુ મદદ કરી હતી, ભાવનગર સ્ટેટની દિકરી પોરબંદરના યુવરાજ સાથે પરણીને આવેલી હતી. તેનું નામ રામ બા સાહેબ હતુ. જેના નામ પરથી રામ બા ટીચર્સ કોલેજની શરૂઆત કરાઈ હતી. સૌરાષ્ટ્રમાં બહુ ઓછા મહેલો આ પ્રકારના છે, જેમાં તમામ ધર્મના પ્રતિકો જોવા મળે છે. આ મહેલમાં બહાર પડતા ગવાક્ષ (ઝરૂખા)થી આહ્લાદક દ્રશ્ય જોવા મળે છે. સરકાર દ્વારા આ રાજમહેલ જર્જરિત જાહેર કરાયો છે. પરંતુ હજી સુધી અહીં કોઈ પણ જાતનું સમારકામ કરાયું નથી. જેથી ઈતિહાસકાર નરોત્તમ પલામે ETVના માધ્યમથી આ મહેલ બચાવવા માટે સરકારને વિનંતી કરી છે. દુનિયામાં જેની નોંધ લેવાય તે વિરાસત સાચવવા લોકોને એક થવા નરોત્તમ પલાણે આહ્વાન કર્યું છે.