પોરબંદરઃ શહેર નજીક બિલેશ્વર ગામની સીમમાં 6 શખ્સોએ રાજકોટ SRP DYSPના પત્ની તેમજ ડ્રાઇવર સહિત ત્રણ ઉપર કુહાડી વડે હુમલો કર્યો હતો. તેમજ મારામારી કરી કારમાં આગ લગાડી હતી. સાથોસાથ રિવોલ્વરની પણ લૂંટ કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટના ઘંટેશ્વરમાં આવેલા SRP કેમ્પમાં રહેતા અને મૂળ હનુમાનગઢના આશાબેન અરભમભાઈ ગોઢાણિયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના પતિ અરભમ ગોઢાણીયા રાજકોટ SRPમાં નોકરી કરે છે અને તેની જમીન બીલેશ્વરની હોવાથી તેની દેખરેખ રાખતા હોવાથી બુધવારે બપોરે તેઓ પોતાની કાર લઈને ડ્રાઇવર અનંતની સાથે બીલેશ્વર આવ્યાં હતા. તે દરમિયાન તેમના ખેતરના જુના મકાન પાસે જમવાની તૈયારી કરતા હતા, ત્યારે બાજુના ખેતરવાળા કાઢીયા નેસમાં રહેતા જગા કારા મુશાર, કરસન કારા મુશાર, ભીમા કારા મુશાર, અનિલ કારા મુશાર, ઉકા મૈયા મુશાર, જીવા રાજા ઘેલીયા વગેરેએ લાકડીઓ કુહાડી ધારીયા લઈને આશાબેનને ગાળો દેવા લાગ્યા હતા અને ઉશ્કેરાઈને ધારીયા, લાકડી વડે હુમલો કર્યો હતો અને તેમની કાર સળગાવી હતી.
આશાબેન પાસે સ્વબચાવ માટે રાખેલી રિવોલ્વરની પણ લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. ઘાયલ અનંતને પોરબંદર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.