તાજેતરમાં તારીખ 18 થી 23 નવેમ્બર દરમિયાન લોનાવાલા ખાતે ભારત સરકાર ,વનવિભાગ, મેનગ્રુવ ફાઉન્ડેશન અને ગોદરેજ કંપનીના આર્થિક સહકારથી એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, જેમાં 20 જેટલા દેશોના 250 લોકોએ ભાગ લીધો હતો અને પોતાના સંશોધન પત્રો પ્રસ્તુત કર્યા હતા. આ કોન્ફરન્સ ખાસ પાણીના પક્ષીઓ અને જળપ્લાવિત ક્ષેત્રો પર જ આયોજિત કરવામાં આવી હતી.
આ કોન્ફરન્સમાં ગુજરાતના પણ ચાર સંશોધન પત્ર રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં મોકર સાગર વેટલેન્ડ કન્ઝર્વેશન કમિટીના પ્રમુખ ધવલ વારગિયાએ પણ ભાગ લઈ પોરબંદરના પાણીના પક્ષીઓ એટલે કે વોટર બર્ડ પર પોતાનું સંશોધન રજૂ કર્યું હતું.
પોરબંદરમાં મોકર સાગર કમિટી, પોરબંદરના જળપ્લાવિત શ્રેત્રો માટે વૈજ્ઞાનિક રીતે કામ કરે છે. કમિટીના આ પ્રયત્નોના કારણે પોરબંદરના પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા માર્ચ 2016 માં મૉકર સાગરને ઈમ્પોર્ટન્ટ બર્ડ એરિયા જાહેર કરવામાં આવ્યું હતું. મોકર સાગર કમિટી દર વર્ષે પક્ષીઓની ગણતરી કરે છે. જેમાં 100 જેટલી અલગ અલગ પક્ષીઓની પ્રજાતિ પોરબંદરમાં જોવા મળી છે અને ક્રેન પક્ષીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત સુરખાબ સહિતના વિદેશી પક્ષીઓ મોટા પ્રમાણમાં અહીં જોવા મળે છે, જે માટે દર વર્ષે ખાસ પિંક સેલિબ્રેશનનું પણ આયોજન કરવામાં આવે છે.
ભવિષ્યમાં રાજ્ય કક્ષાએ એક નેટવર્ક બનાવશે અને પાણીના પક્ષીઓના સંરક્ષણને વેગવંતું બનાવવામાં આવશે. આ કોન્ફરન્સમાં વેટલેન્ડ ઇન્ટરનેશનલના મેનેજર ડૉ. તેજ મુંડકર પણ ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ પોરબંદરના સંશોધન પત્રની પ્રસંશા કરી ધવલ ભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી.