પોરબંદરઃ રાજ્યમાં સસ્તા અનાજના દુકાનદારો રાજ્ય સરકારની સામે પડ્યા છે. દુકાનદારો કહી રહ્યા છે કે રાજ્ય સરકારે અમારી સાથે દગો કર્યો છે. કમિશન મુદ્દે વચન આપીને બીજા દિવસે જીઆર કર્યો તેમાં એક શરત ઉમેરી દીધી હતી. જેનાથી મોટાભાગના સસ્તા અનાજના દુકાનદારોને અન્યાય થઈ રહ્યો છે. દુકાનદારો રાજ્ય સરકાર સામે હડતાળને પોતાની જીદ નહિ પરંતુ મજબૂરી ગણાવી રહ્યા છે.
પોરબંદર હડતાળમાં જોડાયુંઃ પોરબંદર જિલ્લાના સસ્તા અનાજની દુકાનના સંચાલકો પણ આ હડતાલમાં જોડાયા છે. જેમાં પોરબંદર તાલુકાના 100 દુકાનદારો, જિલ્લાના 160 દુકાનદારોનો સમાવેશ થાય છે. અત્યારે સમગ્ર ગુજરાતના 17,000 સસ્તા અનાજના દુકાન સંચાલકો આ હડતાળમાં જોડાઈ ચૂક્યા છે. જ્યાં સુધી દુકાનદારોની પડતર માંગણી નહિ પૂરી થાય ત્યાં સુધી તમામ પ્રકારની કામગીરી અચોક્કસ મુદત સુધી બંધ રાખવાની ચીમકી આ સંચાલકોએ ઉચ્ચારી છે.
અગાઉની મીટિંગ નિષ્ફળઃ અગાઉ ગુજરાત સરકારે સસ્તા અનાજ દુકાન સંચાલક એસોસિયેશનના આગેવાન પ્રહલાદ મોદી અને મહિપત સિંહ ગોહિલ સાથે મીટિંગ કરી હતી. આ મીટિંગમાં ગુજરાત સરકારે સંચાલકોને મિનિમમ 20,000 રુપિયા કમિશનનું વચન આપ્યું હતું. રાજ્ય સરકારે છાપામાં આ નિર્ણય વિષયક મોટી જાહેરાતો પણ છાપી હતી. આ મુદ્દે કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધી હતી. જો કે બીજા દિવસે કરેલ જીઆરમાં 300 રેશન કાર્ડની શરત ઉમેરતા મોટા ભાગના દુકાનદારોને અન્યાય થયો હતો.
પોરબંદર તાલુકાના સસ્તા અનાજની દુકાનના 100 સંચાલકો તથા જિલ્લાના 160 સંચાલકો આ હડતાળમાં જોડાયા છે. અમે સૌ કોમ્પ્યૂટર લોગ ઈન કરીશું નહીં, તેમજ કોઈપણ પ્રકારનો સ્ટોક ઉપાડીશું નહીં. આ હડતાળ એ અમારી જીદ નહિ પરંતુ અમારી મજબૂરી છે...રાજુ ઠકરાર(પ્રમુખ, સસ્તા અનાજ દુકાન સંચાલક એસોસિયેશન, પોરબંદર)