પોરબંદરઃ જિલ્લાના અમીપુર ગામે અમીપુર સિંચાઈ યોજના વર્ષ 1977માં શરૂ કરવામાં આવી હતી અને વર્ષ 1989માં પૂર્ણ કરવામાં આવી હતી. જેનો ચોખ્ખો સ્ત્રાવ ક્ષેત્ર 1,212 ચોરસ કિલોમીટર છે. આ યોજનામાં 921 મિ.મી. જેટલો સરેરાશ વરસાદ ગણતરીમાં લેવાય છે. આ યોજનામાં ડેમની લંબાઈ 10.77 કિલોમીટર છે. આ યોજના અંતર્ગત શનિવારે સાંસદ રમેશ ધડુકના હસ્તે વર્ટિકલ વીઅર ગેટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
અમીપુર સિંચાઇ યોજનાના આયોજન મુજબ નહેર દ્વારા સપાટી 3.35 મીટર, પૂર્ણ જળાશયની સપાટી 5.64 મીટર અને મહત્ત્વપૂર્ણ સપાટી 3.34 મીટર છે. આ સિંચાઈ યોજનાની કુલ સંગ્રહ શક્તિ 30 મીટર, ઘનમીટર જીવંત જથ્થો 28.4 મીટર અને પાણીનો મૃત જથ્થો 1.15 ઘનમીટર છે. ડેમના કેનાલના પાણીનો લાભ જિલ્લાના કુતિયાણા તાલુકાના કડેગી, અમીપુર, મહિયારી અને પોરબંદર તાલુકાના ગરેજ, બળેજ, કડછ, રાતીયા, ઉટડા અને જૂનાગઢ જિલ્લાના બગસરા ગામ અને મળી આઠ ગામને મળે છે. આ ઉપરાંત આ ડેમ એશિયાનો સૌથી મોટો માટીનો ડેમ ગણાય છે.
ગુજરાતની અમીપુર સિંચાઇ યોજનાના વેસ્ટ વિઅર 6,540 મીટર હયાત ગોડબોલે ગેટની જગ્યાએ વર્ટિકલ લિફ્ટ ગેટ મુકવા સરકાર દ્વારા 5,40,000ના ખર્ચે મંજૂરી મળતાં, શનિવારે આ કામનું ખાતમુહૂર્ત સાંસદ રમેશ ભાઈ ધડુક અને કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માહિયારી ગામે મહેર સમાજમાં એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેશ મોરી, કુતિયાણા તાલુકા પંચાયત પ્રમુખ ભરત પરમાર અને ભાજપના રમેશ પટેલ અને વિક્રમ ઓડેદરા સહિત ક્ષાર પ્રવેશ નિવારણ વર્તુળ રાજકોટ વિભાગના અધિક્ષક ઇજનેર પી.વી.ચૌહાણ તથા ક્ષાર અંકુશ વિભાગના કાર્યપાલક ઇજનેર બી.કે વાલગોતર અને ગામના આગેવાનો હાજર રહ્યા હતા.