પોરબંદર: પોરબંદર ખારવા સમાજ દ્વારા જેતપુરના સાડી ઉદ્યોગના ગંદા પાણીને પોરબંદરના દરિયામાં છોડવાના પ્રોજેકટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પોરબંદરની મોટા ભાગની સામાજિક સંસ્થાઓ સાથે એક મિટિંગ મળી હતી. જેમાં પ્રોજેકટને મંજૂરી અપાશે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.
આંદોલનની તૈયારી: આ બેઠકમાં ચર્ચા થઈ હતી કે પોરબંદરના દરિયામાં જેતપુરનું પાણી જો આવશે તો અનેક દરિયાઈ જીવસુષ્ટિને નુકસાન થશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોરબંદર આવવાના હોય ત્યારે સેવ પોરબંદર સીના નૂતન બેન ગોકણીને મુખ્યમંત્રીને મળવાની પરમિશન પણ નથી આપી. ડો.નૂતન બેન ગોકણી સેવ પોરબંદર સી નામની સંસ્થા દ્વારા આ પ્રોજેકટનો એક વર્ષથી વિરોધ નોંધાવી રહ્યા છે. મુખ્યમંત્રીની ઓફિસે રૂબરૂ મળવા ગયા હતા ત્યારે પણ મુખ્યમંત્રીએ ઓછો સમય આપ્યો હતો અને ત્યારબાદ રજુઆત માટે રૂબરૂ ન આવવાનો એક લેટર આવ્યો હતો.
સોશિયલ મીડિયા પર કેમ્પેન: પોરબંદર સી નામની સંસ્થા દ્વારા સોશિયલ મીડિયા પર જેતપુર પ્રોજેકટને રદ કરવા કેમ્પેઈન ચલાવાઈ રહ્યું છે અને વિરોધ નોંધાઇ રહ્યો છે. કીર્તિ મંદિર પાસે આવેલ ડિસ્ટ્રીક ચેમ્બર્સ ઓફ કોમર્સના હોલમાં મોટા ભાગની પોરબંદરની સામાજિક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પોરબંદર ડિસ્ટ્રીક ચેમ્બર્સ ઓફ કોમર્સ, સેવ પોરબંદર સી, લાયન્સકલબ ઓફ પોરબંદર, જીઆઈડીસી વેપારી સંગઠન, રોટરી કલબ, પોરબંદર સહિતની સંસ્થાઓના આગેવાનો અને ખારવા સમાજના પ્રમુખ પવન શિયાળ તથા આગેવાન રણછોડ ભાઈ શિયાળ ઉપસ્થિત રહ્યા હતા.