પોરબંદર: આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ તેની ઓળખ બનાવી રહી છે. ગૃહ સુશોભનથી લઈ પાયલટ સુધીના ફિલ્ડમાં ઉત્તમ કામગીરી બજાવી રહી છે. ત્યારે, પોરબંદર શહેરમાં કાર્યરત મુખ્ય પોસ્ટ ઓફિસની બાજુમાં મહિલા પોસ્ટ ઓફિસ શરૂ કરવામાં આવી છે. જેની તમામ કામગીરી મહિલા કર્મચારીઓ હસ્તક કરાઇ છે.
પોસ્ટલ સુપ્રીટેન્ડેન્ટ અભિજિત સિંહની ઉપસ્થિતિમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી કાશમીરાબેન સાવંતના હસ્તે પોરબંદર મુખ્ય પોસ્ટ ઓફિસની બાજુમાં મહિલા પોસ્ટ ઓફિસનો પ્રારંભ કરાયો હતો. પોરબંદર જિલ્લામાં પ્રથમ કાર્યરત આ મહિલા પોસ્ટ ઓફિસની તમામ કામગીરી મહિલા કર્મચારીઓ સંભાળશે. હાલ કોવિડ-૧૯નાં કારણે ઉદઘાટન કાર્યક્રમ સંપુર્ણ સાદાઇથી યોજવાની સાથે ઉપસ્થિત તમામ લોકોએ માસ્ક પહેરીને સામાજિક અંતર જાળવી સરકારના નીતિ નિયમોનું પાલન કર્યું હતું.