પોરબંદર: પોરબંદરમાં લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જિલ્લા કક્ષાએ યોજાયેલ રાષ્ટ્રીય બાળ પરિષદમાં રાજ્ય કક્ષાએ 10 લઘુ સંશોધન પસંદ કરવામાં આવ્યા હતા, આ 10 લઘુ સંશોધન રાજ્ય કક્ષાએ અમદાવાદ સાયન્સ સીટી ખાતે તારીખ 30 નવેમ્બર 2023 થી 2 ડિસેમ્બર 2023 દરમિયાન રજૂ થયાં હતાં, જેમાંથી પોરબંદરની ભાવસિંહજી હાઈસ્કૂલની ધોરણ નવ ની વિદ્યાર્થિની સૃષ્ટિ જગતિયાનું લઘુ સંશોધન રાષ્ટ્રીય કક્ષાએ પસંદ કરવામાં આવ્યું હતું, હવે આગામી સમયમાં તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.
સૃષ્ટિનું સંશોધન: આ સ્પર્ધાનું આયોજન ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે, આ લઘુ સંશોધન માટે સ્પર્ધામાં મુખ્યત્વે આરોગ્ય અને સુખાકારી માટે ઇકો સિસ્ટમની સમજણ અને પેટા વિષયમાં તમારી ઇકો સિસ્ટમને જાણો આરોગ્ય તથા પોષણ અને સૂખાકારીને પ્રોત્સાહન આપવું તે હતો. જિલ્લા કક્ષાએ આ સ્પર્ધામાં 10 થી 17 વર્ષની વય જૂથના 4500 પ્રોજેક્ટર રજૂ થયા હતા અને 80 થી વધુ લઘુ સંશોધન બાળકોએ રજૂ કર્યા હતા. જેમાંથી સૃષ્ટિ જગતિયાએ આલગી એટલે કે દરિયાઈ લીલ પર લઘુ સંશોધન કર્યું છે.
લીલની વિશેષતા" અંગે પ્રોજેક્ટ: પોરબંદરની સૃષ્ટિ અમિતભાઈ જગતિયાએ પોરબંદરના દરિયા વિસ્તારમાં જોવા મળતી આલગી એટલે કે દરિયાઈ લીલની વિશેષતા વિષય પર પ્રોજેક્ટ રજૂ કર્યો અને તેનું માનવ જીવનમાં કેવી રીતે મહત્વ છે તે અંગે સંશોધન કરવામાં આવ્યું હતું. દરિયાઇ લીલ ખાવામાં પણ ઉપયોગ કરી શકાય છે અને તે આયુષ્યમાં પણ વધારો કરી શકે તેમ છે તેમ સૃષ્ટિ જગતિયાએ જણાવ્યું હતું અને ભવિષ્યમાં તેમને લોકોની સુખાકારી માટે વધુમાં વધુ વિવિધ વિષયો પર સંશોધન કરવા જણાવ્યું હતું
પિતા-પુત્રીની મહેનત: પોરબંદરની સૃષ્ટિ એ રાષ્ટ્રીય કક્ષાએ સફળતા મેળવતા તેના પરિવારજનો એ શુભેચ્છા પાઠવી છે, તેના માતા નયનાબેન જગતિયાએ જણાવ્યું હતું કે, સૃષ્ટિની સખત મહેનત રંગ લાવી છે તેના પિતા અમિતભાઇ સાયન્સ ટીચર છે અને બે વર્ષ સખત મહેનત કરી પિતા પુત્રી દરિયા કિનારે જતા અને દરિયાઈ લીલ વિશે સંશોધન કરતા હતા.
મલ્ટી ટેલેન્ટેડ છે સૃષ્ટી: જ્યારે સૃષ્ટિએ અનેક વાર વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને રાષ્ટ્રીય કક્ષાએ સફળતા મેળવી છે, જેમાં કોરોના સમયમાં કોરોના વોરિયર્સ વિષય પર નિબંધ સ્પર્ધા યોજાઈ હતી તેમાં પણ તે રાષ્ટ્રીય લેવલે સફળતા મેળવી હતી. આ ઉપરાંત રામકૃષ્ણ મિશન દ્વારા યોજાયેલ સ્વામી વિવેકાનંદ વિષય પર વકૃત્વ સ્પર્ધામાં પણ તેણે રાષ્ટ્રીય કક્ષાએ સફળતા મેળવી હતી. આમ તમામ પ્રવૃત્તિઓમાં તે આગળ હોય છે આવી દીકરી ભગવાન બધાને આપે તેમ સૃષ્ટીના માતા નયનાબેને જણાવ્યું હતું.