પોરબંદરના જનસેવા કેન્દ્રમાં આજે લાંબી કતારો લાગી હતી તો વિદ્યાર્થીઓ માટે આવકના દાખલા મેળવવા દૂરદૂરથી વાલીઓ પણ સાથે આવ્યા હતા. સવારના 6 વાગ્યાથી લાંબી કતારો જોવા મળી છે તો અનેક લોકો વ્યવસ્થાતંત્રની ખામી અંગે પણ રોષ વ્યક્ત કર્યો હતો. આ બાબતે નાગકા ગામના પરબતભાઈ જણાવ્યું હતું કે, તેઓ સવારના 7 વાગ્યાથી લાંબી લાઇનમાં ઉભા છે, પરંતુ હજુ પણ તેમનો વારો આવ્યો નથી. વધુમા તેમણે જણાવ્યુ હતુ કે, ઘણા દિવસોથી માત્ર એક દસ્તાવેજ માટે ધક્કા ખાવા પડે છે.
બીજી તરફ કેસરબેન નામના વૃદ્ધાએ જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી તેઓ જનસેવા કેન્દ્ર અને કચેરીઓના ધક્કા ખાઇ રહ્યા છે, પરંતુ તેમને યોગ્ય જવાબ મળતો નથી. લાંબી લાઈનમાં ઉભા રહ્યા બાદ જ્યારે વારો આવ્યો ત્યારે એમ કહેવામાં આવે છે કે, કાલે આવજો. દેશ એક તરફ પ્રગતિ કરી રહ્યું છે ત્યારે મૂળ વ્યવસ્થા અંગે સરકાર શું કરે છે તે જોવાનું રહ્યું? છેલ્લા 5 વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો થયો છે, પરંતુ સ્ટાફની અછત અને નેટ કનેક્ટિવિટીના અભાવે અનેક લોકોને દસ્તાવેજી પ્રક્રિયામાં રાહ જોવી પડે છે. તો આ સુવિધા ઘર બેઠા જ મળી જાય તેવો ઉકેલ આવે તો લોકોને અલગ ખુશી મળે તેમ જણાવ્યું હતું.