પોરબંદર : પોરબંદરમાં છેલ્લા બે ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસવાથી જનજીવન ખોરવાયું છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ ગત બે દિવસથી ગુજરાત રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો છે, ત્યારે પોરબંદર પંથકમાં પણ બે દિવસથી વરસાદે માજા મૂકી હતી. વરસાદના કારણે અનેક વાહનોના પૈડાં થંભી ગયા હતા, તો ખેડૂતોને પણ પાકમાં નુકસાન થયું હોવાનું જણાવાયું છે.
આ પણ વાંચો : Heavy rain in Patan: પાટણ જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ યથાવત
પોરબંદરમાં વરસાદ થતા નુકસાન : પોરબંદર જિલ્લામાં બે દિવસ કમોસમી વરસાદ વરસ્યો હતો, જ્યારે ગઈકાલે સવારે પણ વરસાદનું ઝાપટું પડ્યું હતું. બે દિવસમાં પોરબંદરમાં 10 મિમી, કુતિયાણામાં 15 મિમી, રાણાવાવમાં 4 મિમી વરસાદ પડ્યો છે. વૈશાખમાં વરસાદ પડતા લોકો આશ્ચર્ય પામી ગયા હતા. સામાન્ય રીતે વૈશાખ માસમાં કાળઝાળ ગરમી હોય છે, પરંતુ આ વખતે વૈશાખમાં વરસાદ માવઠું પડતા લોકો સહિત ખેડુતોની મુશ્કેલીમાં વધારો થયો છે. પોરબંદરની આસપાસ બરડા વિસ્તારમાં આવેલા ખંભાળિયા હનુમાનગઢ સહિત અનેક ગામડાઓમાં કેરીના બાગ આવેલા છે, પરંતુ વરસાદના કારણે કેરીના બાગના માલિકો પણ મુશ્કેલીમાં મુકાયા છે.
આ પણ વાંચો : Gujarat Weather Forecast: સતત ચોથા દિવસે પણ કમોસમી વરસાદ,ખેડૂતોના ચિંતામાં વધારો
કેરીના ભાવ આસમાને જાય તેવી શકયતા : પોરબંદર નજીકના ઘણા કેરીના બાગ આવેલા છે, પરંતુ વરસાદના કારણે કેરીની આવકમાં ઘટાડો થશે તો કેરીના બોક્સના ભાવમાં વધારો થવાની પૂરે પૂરી શક્યતાઓ હોવાની વાત વેપારી આલમમાં ચર્ચાઈ રહી છે. હાલ 900થી વધુ રૂપિયાના બોક્સ પેઠે ભાવ ચાલી રહ્યો છે. પોરબંદર જિલ્લામાં બે દિવસથી વરસાદના કારણે ખેડૂતો સહિત અનેક ધંધાર્થીઓને માવઠાના કારણે મુશ્કેલી ઉભી થઇ છે. માર્કેટિંગ યાર્ડમાં રાખેલા અનાજને યોગ્ય સ્થળે ખસેડવાની ફરજ પડી છે. તો વરસાદના લીધે શાકભાજી વાળાથી લઈ સામાન્ય ધંધા રોજગાર કરતા લોકોના નિયમિત કાર્યમાં પણ અસર પડી છે.