પોરબંદર : શહેરની રૂપાળી બા લેડી હોસ્પિટલમાં 07 જૂન 2023ના રોજ બોરીચા ગામની એક મહિલાને અધૂરા મહિને જોડિયા બાળકો જન્મ્યા હતા. તાત્કાલિક ઓક્સિજનની જરૂર પડતા પોરબંદરની હોસ્પિટલમાં સિપેપ મશીનમાં ખામી હોવાના લીધે જામનગર ખસેડવામાં આવતા હતા. તે દરમિયાન રસ્તામાં એક બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના રામદેવ મોઢવાડિયા આજે હોસ્પિટલની મુલાકાત લઇ તંત્રની ઘોર બેદરકારી ગણાવી સિવિલ સર્જનને ઉગ્ર રજૂઆત કરી હતી.
શુું હતો સમગ્ર મામલો : પોરબંદર જિલ્લાની બોરીચા ગામની શાંતિબેન ભરતભાઈ બોરીચા નામની મહિલાને ગત 7 જૂન 2023ના રોજ રૂપાળી બા હોસ્પિટલમાં અધૂરા માસે બે જોડિયા બાળકો જન્મ્યા હતા. જેઓને તાત્કાલિક ઓક્સિજનની જરૂર પડી હતી. ઓક્સિજન સપ્લાય માટે વેન્ટિલેટરમાં સિપેપ મશીનની જરૂર પડી હતી. જે હોસ્પિટલમાં બે મશીન હોય, પરંતુ માત્ર એક જ ચાલુ સ્થિતિમાં હોય અને તેમાં પણ અન્ય બાળક સારવાર લઈ રહેતું હોવાથી તબીબોએ બન્ને બાળકોને જામનગર શિફ્ટ કરવા જણાવ્યું હતું. જામનગર પહોંચે તે પહેલાં જ રસ્તામાં એક બાળકનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે એક બાળકનો જીવ બચી ગયો હતો. છેલ્લા દસ માસથી માંગ કરવા છતાં સિપેપ મશીન ન આવતા બાળકે જીવ ગુમાવવાનો વારો આવતા પરિવારમાં શોક છવાયો હતો.
જોડિયા બાળકોમાંથી સિપેપ મશીનના આભાવે આજે મારે એક બાળક ગુમાવવું પડ્યું છે, પરંતુ સિપેપ મશીન તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે જેથી અન્ય કોઈ બાળકનો જીવ બચી જાય. - ભરત કોડિયાતર (મૃત બાળકના પિતા)
10 માસથી સિપેપ મશીનનો અભાવ : પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાન રામદેવ મોઢાવડીયા અને કોંગ્રેસ કાર્યકર્તાઓએ રૂપાળી બા મહિલા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સમગ્ર બાબતની તપાસ કરી હતી અને જાણવા મળ્યું હતું કે, ગત 8 ઓગસ્ટ 2022થી સિપેપ મશીનની માંગ કરતો લેટર હોસ્પિટલ સ્ટાફ દ્વારા પર લેવલે કરવામાં આવ્યો હતો. છતાં 10 મહિના વીત્યા બાદ પણ આ સિપેપ મશીન આવ્યા નથી. જે તંત્રની ઘોર બેદરકારી સામે દેખાય છે. તાત્કાલિક ધોરણે 4 સિપેપ મશીન કોંગ્રેસના આગેવાન દ્વારા સ્વખર્ચે મંગાવવવા આવ્યા છે.
અઠવાડિયાથી સિવિલ સર્જન તરીકે ચાર્જ સંભાળ્યો છે. આ સમગ્ર બાબત ધ્યાને આવી છે અને સિપેપ મશીન વ્યવસ્થા અંગે ફરી પર રજૂઆત કરી છે. - એ.વી. તિવારી (સિવિલ સર્જન)
હોસ્પિટલમાં સાફ સફાઈનો અભાવ : પોરબંદર રુપાળીબા હોસ્પિટલની મુલાકાત લેતા કોંગ્રેસ નેતા રામદેવ મોઢવાડિયાને ધ્યાને આવ્યું હતું કે, મહિલા હોસ્પિટલમાં સગર્ભા મહિલા અને બેડ પર અપાતા ગાદલાઓની હાલત પણ ખરાબ છે. આ ઉપરાંત હાલ ઉનાળાની ઋતુ હોય ત્યારે પંખા પણ વ્યવસ્થિત ચાલતા ન હોવાની ફરિયાદ ઉઠી છે. આ ઉપરાંત સાફ સફાઈ પણ વ્યવસ્થિત ન થતી હોવાનું જણાવ્યું હતું.