પોરબંદરઃ જિલ્લામાં ઓડદર ગામે શનિવારે સવારના ઓડદરમાં રહેતા પોપટ પુંજા ભાઇ ગોરાણીયા નામના વ્યક્તિનું કોઈ અજાણી વ્યક્તિએ ખૂન કર્યું હતું, જે બાબતે પોરબંદર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસ અધિક્ષક રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી હતી.
SOGના પોલીસ ઇન્સ્પેક્ટર કે આઈ જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ સી ગોહિલ તેમજ પોલીસ કોન્સ્ટેબલ સમીર જુનેજાને બાતમી મળી હતી કે પોપટ પુંજા ગોરાણીયાનુ મર્ડર કરનાર આરોપી રાજુ ભીખુ ઓડેદરા મોટરસાયકલ લઈને ઓડદર ગામ રામખડા સીમમાં છે.
પોલીસે રાજુ ભીખુની મોટરસાયકલ રોકાવી તેની પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું કે મરનાર વ્યક્તિને રાજુની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે સબંધ નહી રાખવા તેને અવારનવાર સમજાવ્યો હતો, પરંતુ તેમ છતાં નહીં સમજતા તેનું ખુન કરી નાખ્યું હતું, તેવી કબુલાત આરોપીએ આપી હતી.
પોલીસે ગુનો નોંધી મોટરસાયકલ કબજે કરી આરોપીની હાઇકોર્ટના હુકમ અનુસાર અટક કરી કોર્ટમાં રજૂ કરતા પહેલા કોવિડ-19નો રિપોર્ટ કરાવવા આરોપીને ભાવસિંહજી હોસ્પિટલ ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી.
આ કામગીરીમાં ઇન્સ્પેક્ટર કે આઈ જાડેજા, પીએસઆઇ એચ સી ગોહિલ, એસ આઈ એમ ઓડોદરા, હેડ કોન્સ્ટેબલ કિશન ગોરાણીયા, મહેબૂબ ખાન બેલીમ, સરમણ રાતિયા તેમજ પોલીસ કોન્સ્ટેબલ સમીર જુણેજા વિપુલ બોડીયા, સંજય ચૌહાણ અને માલદે પરમાર જોડાયા હતા.