પોરબંદર : ગામડું આ શબ્દ સાંભળતા જ જૂનું પુરાણું અને અગડવિયું ગામ હોય તેવો વિચારો મનમાં સ્ફુરે પરંતુ વિકસિત ભારતમાં હવે ગામડાઓ આધુનિક ટેકનોલોજીના સહારે હાઈટેક બન્યા છે. તો લોકોની સુખાકારીના સ્વપ્ન સેવતા પોરબંદર જિલ્લાના વનાણા ગામના સરપંચના એક વિચારે ગામની તસવીર બદલી દીધી છે.
વનાણા ગામમાં રિવરફ્રન્ટ : પોરબંદર નજીક માત્ર 1400 લોકોની વસતી ધરાવતા વનાણા ગામમાં રિવરફ્રન્ટ બનાવવામાં આવતા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને અનેક ગામડાં માટે આ હાઇટેક ગામડું પ્રેરણા સ્ત્રોત બન્યું છે. અહીં ગામની સંપત્તિ જ ગામની સુખાકારી બની છે.
સરપંચે શું કહ્યું : વનાણા ગામના સરપંચ કારીબેન સરમણભાઈ કોડિયાતરે જણાવ્યું હતું કે તેઓને લોકોની સુખાકારી માટે એક વિચાર આવ્યો હતો કે શહેરમાં રિવરફ્રન્ટ હોય તો ગામડામાં કેમ નહીં. આ વિચારને ધ્યાને રાખી તેઓએ અન્ય લોકો સાથે વાત કરી હતી અને ગામડાના લોકો પણ રિવરફ્રન્ટની મજા માણી શકે તે હેતુથી વનાણા ગામ પાસેના ખરાબામાં રિવરફ્રન્ટ બનાવવાનો વિચાર મિટિંગમાં પણ રજૂ કર્યો. તમામ લોકોએ આ વિચારને આવકાર્યો અને ડિસેમ્બર 2022માં રિવરફ્રન્ટનું કામ શરૂ કરવામાં આવ્યું અને જૂન 2023માં પૂર્ણ કરવામાં આવ્યું. ગત 10-8-2023 ના રોજ રિવરફ્રન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
એકસંપથી કામ : વનાણા ગામના ઉપસરપંચ શામજીભાઈ રામજીભાઈ મોકરીયાએ જણાવ્યું હતું કે સરપંચને આ વિચાર આવ્યો જે સરાહનીય છે. વેસ્ટ જગ્યામાંથી તેઓએ બેસ્ટ બનાવી. આ તમામ કાર્યમાં મનરેગા યોજના અંતર્ગત લેન્ડ ડેવલોપમેન્ટ તથા વોલીબોલ ગ્રાઉન્ડ અને માઇક સિસ્ટમ નાણા પંચ ગ્રાન્ટમાંથી અને સીસીટીવી કેમેરા બાળકોની રાઇડ્સ તથા રિવરફ્રન્ટ ફરતે વાંસની દીવાલ સ્વભંડોળમાંથી ખર્ચ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બાંકડાઓ દાતાઓ તરફથી મળ્યા છે. રિવરફ્રન્ટ બે એકરમાં ફેલાયેલ છે ત્યારે ગામડાના લોકો એકસંપથી કામ કરે છે અને મનરેગા યોજના થકી ગામના 70 થી 80 લોકોને આ કામમાં મજૂરી મળી છે. સામાન્ય રીતે ગામડામાં વૃદ્ધો ગામના પાદરે બેઠા હોય છે. પરંતુ હવે વનાણા ગામના વૃદ્ધો અહીં બાળકો સાથે આવે છે અને ગામ સીસીટીવી કેમરાથી સજ્જ છે. મ્યુઝિક સિસ્ટમનું સંગીત સાંભળી ખુશીથી સમય પસાર કરે છે.
ગામ પંચાયતની વિવિધ જનસુવિધાઓ 1. ગામ આખાના દરેક ઘરના વોટ્સએપ ગૃપ દ્વારા સરકારની યોજનાઓ, મિટિગો, કેમ્પોની જાણકારી |
---|
ગામમાં યુવાનો માટે પુસ્તકાલય : 1400 લોકોની વસતી ધરાવતા વનાણા ગામમાં રિવરફ્રન્ટ સહિત અનેક સુવિધાઓ છે ત્યારે અહીં સારું એવું પુસ્તકાલય પણ છે. જેથી યુવાનોને તે મદદરૂપ પણ થઈ રહ્યું છે. વધુમાં વધુ સુવિધા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.
હવે રિવરફ્રન્ટની મજા માણવા પોરબંદર નહીં જવું પડે : વનાણા ગામના રહેવાસી ખીમજીભાઈ કચરાભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું કે વનાણા ગામમાં રિવરફ્રન્ટ બનતા અમને ખૂબ જ ખુશી થઈ છે. પહેલા બાળકો અને પરિવાર સાથે પોરબંદર રિવરફ્રન્ટમાં જવું પડતું હતું. પરંતુ હવે અમારા ગામમાં જ રિવરફ્રન્ટ બનતા અમને ખૂબ ખુશી થઈ રહી છે. બાળકો અને પરિવાર સાથે અહીં આવીએ છીએ. યુવાનો માટે વોલીબોલની સુવિધા બાળકોને રાઇડ્સની મજા અહીં ગામડામાં જ સંપૂર્ણ આનંદ મળી રહ્યો છે જે બદલ અમે સરપંચનો આભાર માનીએ છીએ.