પોરબંદર : આજે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ છે. ત્યારે સ્વામી વિવેકાનંદને ધર્મ પરિષદમાં જવાની પ્રેરણા પોરબંદરથી મળી હોવાનું પણ કહેવામાં આવે છે. પોરબંદરમાં હાલ શ્રી રામકૃષ્ણ મિશન આશ્રમ તે સમયે એક બંગલો હતો, જ્યાં સ્વામીજી 4 મહિના રોકાયા હતા અને ફ્રેંચ ભાષા અને પાણીની સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો હતો.
પાંડુરંગશાસ્ત્રીએ આપી પ્રેરણા : તેઓ 1891- 1892 માં પોરબંદર સ્ટેટના દિવાન શંકર પાંડુરંગ શાસ્ત્રીના મહેમાન બન્યા હતાં. સ્વામી વિવેકાનંદ આવ્યા ત્યારે તેઓ અથર્વવેદનું ભાષાંતર કરી રહ્યા હતાં ત્યારે સ્વામીજીએ તેમને મદદ કરી હતી. તે સમયે પાંડુરંગશાસ્ત્રીએ કહ્યું હતું કે સ્વામીજી આપતો વિદ્વાન છો આપે વિદેશ જાઓ તો તમારી પ્રતિભા લોકો જાણશે. પોરબંદરમાં તેઓ એક રૂમમાં રહેતા ત્યાં આજે પણ અનેક લોકો રૂમ જોવા આવે છે અને આ ધ્યાનખંડમાં ધ્યાન કરવાથી પોઝિટિવ વાઇબ્રેશન મળે છે. તો આ ધ્યાન ખંડમાં એક પાટલી પણ રાખવામાં આવી છે જે સ્વામી વિવેકાનંદ પોરબંદરમાં પ્રથમ દિવસે આવ્યા ત્યારે ગોપાલ લાલજીની હવેલીમાં રોકાયા હતા અને તેના પર સૂતાં હતાં.
રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવણી : પોરબંદર રામકૃષ્ણ મિશન આશ્રમના સંચાલક સ્વામી આત્મદીપાનંદે જણાવ્યું હતું કે આજે 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ છે. ત્યારે ઇતિહાસની વાત કરીએ તો ભારત સરકારે 1884માં સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1963ને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે જાહેર કર્યો હતો. આજના દિવસે લગભગ ભારતભરમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવાય છે. આજના દિવસને જ અનુલક્ષીને સરકારે વિકસિત ભારત 2047નું આહવાન કર્યું છે. સ્વામી વિવેકાનંદ ભારતની યાત્રા દરમિયાન સૌથી વધુમાં વધુ સમય એટલે કે ચાર માસ અહીં રોકાયાનું મનાય છે અનેક લોકો અહીંની મુલાકાત લે છે.
રામકૃષ્ણ મિશન દ્વારા અનેક સેવા કાર્ય થઈ રહ્યા છે : રામકૃષ્ણ મિશનમાં અનેક સેવા કર્યા થઈ રહ્યા છે જેમાં ડિસ્પેન્સરીમાં વિવિધ નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓને સેવા આપવામાં આવી રહી છે. આંખ નિદાનનો કેમ્પ તથા ભવ્ય લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ વ્યવસ્થા રાખવામાં આવી છે. આ ઉપરાંત વેલ્યુ એજ્યુકેશન સેન્ટરમાં જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે અને ફરતું પુસ્તક વેચાણ કેન્દ્ર દ્વારા સ્વામી વિવેકાનંદના વિચારોનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.