પોરબંદર : પોરબંદર સહિતન રાજયના બંદરોમા રસ્તા પાણી અને સ્ટ્રીટ લાઈટ તેમજ ફાયર સેફટીની પાયાની સુવિધા નથી. તેનાથી માછીમારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો મત્સ્યઉદ્યોગ કચેરી ગાંધીનગરના કમિશનર દ્વારા ડીઝલના કવોટા અને સરકાર તરફથી મળતી સહાયમા ડ્રો પદ્ધતિ સહિતના પરિપત્રો કરવામા આવી રહ્યા છે. જેને કારણે માછીમારોને સરકાર તરફથી મળતી સહાયનો પૂરતો લાભ મળતો નથી. આ સહિતના સાત જેટલા મુદાઓ માછીમારોને પરેશાન કરી રહ્યા છે.
આંદોલન કરવાની ચીમકી : આ અંગે અખિલ ગુજરાત માછીમાર મહામંડળ દ્વારા અનેક વખત રાજકીય મહાનુભાવો તેમજ ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરવા છતા કોઈ નિરકારણ નથી આવ્યું. અંતે અખીલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડાએ પોરબંદર સમસ્ત બાર ગામ ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ સાથે ખાસ બેઠક યોજી હતી. પોરબંદર સહિત ગુજરાતના માછીમારો માટે હવે મત્સ્યોદ્યોગ કચેરીના કમિશનરની તાનશાહી સામે નજીકના સમયમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો સહાયના નામે સરકારે મશ્કરી કરી હોવાનો માછીમાર-બોટ માલિકોનો આક્ષેપ
બોટ રજિસ્ટ્રેશન રદનો મુદ્દો : કોરોના બાદ માછીમારોની હાલત કફોડી છે એવામાં નવા નવા નિયમોના ફતવાથી માછીમારો ત્રાહિમામ પોકારી રહ્યાં છે. દેશને કરોડોનું હૂંડિયામણ કમાવી આપનાર માછીમારોની હાલત કોરોના બાદ કફોડી બની છે ત્યારે મત્સ્યોદ્યોગ કચેરીના કમીશનર દ્વારા છ મહિના પહેલા લેટર બહાર પાડી બોટોના રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા હતા. ગુજરાતની 3500 જેટલી બોટના રજિસ્ટ્રેશન રદ કર્યા હતા. પોરબંદરમાં મોટી બોટના માલિકોને ચિંતામાં મુક્યા હતાં.
બોટ લોન પર હોય તો તે ક્યાં જશે : માછીમાર અગ્રણીઓએ અનેકવાર આ બાબતે રજુઆત કરી હતી અને વિધાનસભા ચૂંટણી વખતે શાંતિ જાળવી હતી. ત્યાર બાદ ફરીથી અમલીકરણ શરૂ કર્યું હતું. રજિસ્ટ્રેશન રદ કરેલ બોટના માલિકોએ લોન પણ લીધેલી હોય તો તે ક્યાં જશે ? તેની તો આજીવિકા છીનવી બરાબર છે તેમ માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશ પાંજરીએ જણાવ્યુ હતું.
આ પણ વાંચો Gujarat Weather : પોરબંદરમાં વરસાદી વાતાવરણ ખીલ્યુ પણ પાકમાં નુકસાનની ભીતિ
મત્સ્યોદ્યોગ કચેરી કમિશનર વિરુદ્ધ આંદોલન : માછીમાર સમાજ મોટાપાયે આંદોલન છેડશે સમસ્ત ગુજરાત બાર ગામ માછીમાર સમાજના પ્રમુખ પવન શિયાળે જણાવ્યું હતું કે ગુજરાતભરમાં બંદર પર અનેક સમસ્યાઓ છે. તેમાં સુવિધાઓમાં વધારો કરવાને બદલે માછીમારોને નવા નિયમો બહાર પાડી કનડગત કરવામાં આવે છે. આથી અખિલ ગુજરાત માછીમાર સમાજના પ્રમુખ કિશોર કુહાડા સાથે મળી મત્સ્યોદ્યોગ કચેરી કમિશનર વિરુદ્ધ આગામી સમયમાં મોટા પાયે આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.