પોરબંદર: માછીમારો સમુદ્રમાં ઊંડે સુધી માછીમારી કરવા જતા હોય છે. તેમ છતાં પૂરતા પ્રમાણમાં માછલીનો જથ્થો મળી આવતો ન હોવાને પગલે બોટ માલિકો સહિત માછીમારોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ શા માટે થાય છે. તેનું એક મોટું કારણ છે. અન્ય રાજ્યોમાંથી 50 જેટલી બોટો સાથે લઈને માછીમારી કરવા આવે છે. જેમાં એકી સાથે બે ઝાળ નાખીને માછીમારી કરતા હોય છે. જેનાથી દરિયાઈ જીવ સૃષ્ટિનું નિકંદન નીકળે છે. જેમાં લાઇન ફીશિંગ પર સિંગનેટ ફિશિંગ, એલઈડી લાઈટ ફિશિંગ જેવી પદ્ધતિથી માછીમારી કરવામાં આવે છે.
મહારાષ્ટ્રના માછીમારો દ્વારા 50 જેટલી બોટો લાઈનમાં ઊંડે સુધી જાળ પાથરીને માછીમારી કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત બોટ ઉપર ચડીને કયા સ્થળે માછલીઓનો જથ્થો છે. તેનું નિરીક્ષણ કર્યા બાદ આ તમામ બોટ દ્વારા ગોળ રાઉન્ડ બનાવીને ઊંડે સુધી જાળ પાથરી રાક્ષસી પદ્ધતિથી માછીમારી કરવામાં આવતી હોય છે, ત્યારે તેની સામે પોરબંદર સહિતના ગુજરાતના માછીમારોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.