- જિલ્લા કલેક્ટર અશોક શર્માના અધ્યક્ષ સ્થાને અધિકારીઓની મિટિંગ યોજાઈ
- પોરબંદર જિલ્લાની દરિયામાં રહેલી બોટોને પરત લાવવા કાર્યવાહી હાથ ધરાઈ
- દરેક તાલુકામાં અધિકારીઓની લાયઝન ઓફિસર તરીકે નિમણૂક કરાઇ
પોરબંદર : તૌકતે ચક્રવાતની સંભવિત અસરોને પહોંચી વળવા જિલ્લા કલેક્ટર અશોક શર્માની આગેવાની હેઠળ પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. જિલ્લામાં તૌકતે ચક્રવાતને કારણે કોઈ જાન માલની નુકસાની ન થાય તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા વિવિધ વિભાગોને જરૂરી સૂચનો તથા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી વી. કે. અડવાણી, પોલીસ અધિક્ષક રવિ મોહન સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી મીટિંગમાં પોરબંદર જિલ્લાની દરિયામાં રહેલી બોટો શનિવાર સુધીમાં પરત આવી જાય તે માટે સંબંધિત વિભાગના અધિકારીઓએ કરવાની થતી કાર્યવાહીનું માર્ગદર્શન આપ્યું હતું.
આ પણ વાંચો : આગામી 24 કલાકમાં ડીપ ડિપ્રેશનમાંથી સાયકલોનમાં ફેરવાશે ચક્રવાત
રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ શરૂ, નીંચાણવાળા વિસ્તારોના લોકોનું સ્થળાંતર, વીજ પુરવઠો, દવાઓ અંગે સૂચના અપાઈ
જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર તંત્ર દ્વારા દરેક તાલુકા કક્ષાએ અધિકારીઓની લાયઝન ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમજ જિલ્લા તથા તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા તેમજ સરકાર દ્વારા વખતો વખત આવતી સૂચનાઓ અને તાત્કાલિક અમલવારી કરી શકાય અને પરિસ્થિતિની અનુરૂપ તાત્કાલિક પગલાં લઈ શકાય, તે માટે સ્થાનિક પંચાયત તથા મહેસૂલના અધિકારીઓને જરૂર પડ્યે તેનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે. જરૂર જણાયે નીંચાણવાળા વિસ્તારોમાં વસતાં લોકોને સલામત સ્થળોએ ખસેડવા તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમજ આરોગ્ય વિભાગને પૂરતો દવાનો જથ્થો ઉપલબ્દ્ધ રાખવા, વીજ પુરવઠો ન ખોરવાય તેમજ તેને લગતા આનુસંગિક વ્યવસ્થાઓ હાથ ધરવા PGVCLને સૂચિત કરાયું છે.
આ પણ વાંચો : 'તૌકતે'ની આગાહીને પગલે દ્વારકા જિલ્લા કલેક્ટરે યોજી બેઠક
બચાવ અને રાહત કામગીરી કરવાની થાય તો તેનું આયોજન હાથ ધરાયુ
પોરબંદર જિલ્લાના લોકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકાર તરફથી તેમજ તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓ ખાસ કરીને દરિયા કાંઠે રહેતા લોકો અને માછીમારોને જરૂરી તકેદારી રાખવા, દરિયામાં ન જવા તેમજ તંત્ર તરફથી આપવામાં આવતી સૂચનાઓની અમલવારી કરીને કામગીરી કરવા, સલામત સ્થળે ખસી જવા તેમજ બિનજરૂરી રીતે બહાર ન નીકળવા જણાવવામાં આવ્યું છે.