પોરબંદર : પોરબંદર જિલ્લામાં હત્યાની ઘટનાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં હત્યાની ત્રણ ઘટના સામે આવતા ભારે ચર્ચા જોવા મળી રહી છે. ગત રવિવારે છાયા વિસ્તારમાં એક પરિણિતાને તેમના જેઠે ગળાનાં ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. મૃતક શાંતિબેન ડોડીયા આરોપી હત્યારા માધવજી ડોડીયાના નાના ભાઇના પત્ની હતાં.
અચાનક તીક્ષ્ણ હથિયારના ઘા માર્યાં : આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ છાયા નવા વણકરવાસ વિસ્તારમાં રહેતા મોહન મથુરભાઈ ડોડીયાના પત્ની શાંતિબેન બપોરે જમવા બેઠા હતાં તે દરમ્યાન તેમના જેઠ માધવજી ઘરે આવ્યો હતો. આથી શાંતિબેને તેમને જમવા માટે પૂછ્યું હતું. ત્યારે માધવજીએ જમવાની ના પાડી હતી. શાંતિબેન ઠામવાસણ ભેગા કરતા હતાં અને તેમના પતિ બાથરૂમ ગયાં હતાં તે દરમ્યાન માધવજી અચાનક હથિયાર લઈને ધસી આવ્યો હતો અને શાંતિબેનને ગળાના ભાગે મારી દીધું હતું.
પાડોશીઓએ માધવજીને ઝડપી લીધો : શાંતિબેનના ગળાનાં ભાગે ઘા વાગતાં તેઓ લોહીલુહાણ હાલતમાં ત્યાંજ ઢળી પડ્યાં હતાં. ઘટનાને લઇને આસપાસના લોકો પણ દોડી આવ્યાં હતાં. ગળામાં છરી લાગતા શાંતિબેને ચીસ પાડી હતી. આ બનાવની જાણ શાંતિબેનનાં પતિને થતાં તેઓ દોડી આવ્યા હતાં અને તેમણે માધવજી પાસેથી છરી ઝૂંટવી લેવાનો પ્રયાસ કરતા તેમને પણ હાથના ભાગે ઈજા પહોંચી હતી. દરમિયાન પાડોશીઓએ માધવજીને ઝડપી લીધો હતો.
ગંભીર રીતે ઘવાયેલા શાંતિબેનને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા આ બનાવ હત્યામાં પલટાયો હતો. આરોપી માધવજી ડોડીયાને ઝડપી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી... નીલમ ગોસ્વામી (સિટી ડીવાયએસપી)
હત્યા કરનાર માધવજી અપરિણિત : હત્યા કરનાર માધવજી અપરિણિત છે અને તે છૂટક મજૂરીકામ કરીને એકલવાયું જીવન જીવે છે. મૃતક શાંતિબેનના પતિ કડીયા કામ કરે છે અને બે સંતાનો છે. ત્યારે બન્ને સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે. આ બનાવને લઈને તેમના પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.
હત્યાનું કારણ શું? : મૃતક શાંતિબેન તથા તેના પતિ મોહન વચ્ચે અનેકવાર આંતરિક ઝઘડા થતાં હતાં. પરંતુ માધવજી અને મૃતક વચ્ચે કોઈ ઝઘડો થયો ન હતો..ત્યારે સામાન્ય બાબતમાં માધવજીએ શા માટે હત્યા કરી તે પોલીસ પૂછપરછમાં સામે આવશે.