પોરબંદર: આજે 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસ નિમિત્તે એટલે કે રાષ્ટ્રીય એકતા દીવસે પોરબંદરમાં કોસ્ટ ગાર્ડ દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા કોસ્ટ ગાર્ડના અધિકારીઓ, કર્મચારીઓ સહિત સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ અને એન.સી.સી.ના કેન્ડેટ જોડાયા હતા. ચોપાટી ગ્રાઉન્ડથી લઈ ફુવારા સુધી અને ત્યાંથી લઈને કનકાઈ માતાના મંદિર થી ચોપાટી ગ્રાઉન્ડ પર આ દોડ પૂર્ણ થઈ હતી.
રન ફોર યુનિટી:પોરબંદરમાં યોજાયેલ રન ફોર યુનિટીમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ પણ ઇતિહાસમાં સરદાર વલ્લભભાઈ પટેલે કરેલા કાર્યો થી પ્રભાવિત થાય તેમજ દેશ પ્રત્યે પોતાનું કર્તવ્ય સમજે તે પણ આ દોડનો એક હેતુ હતો. આ દોડમાં ભાગ લીધેલા વિદ્યાર્થીઓએ પણ આ પ્રકારના કાર્યક્રમની સરાહના કરી હતી અને ગૌરવની લાગણી અનુભવી હતી.
અખંડ ભારતના શિલ્પી હતાં સરદાર પટેલ: મહત્વપૂર્ણ છે કે, ભારતની આઝાદી સમયે હિંદુ-મુસ્લિમ તોફાનો અને ભારત-પાકિસ્તાનના ભાગલાથી સમગ્ર ઉપખંડમાં હિંસાનું વાતાવરણ સર્જાયું હતું. આ સમયે દેશમાં એકતા અને શાંતિની સ્થાપના કરવામાં સરદાર પટેલની ઐતિહાસિક ભૂમિકા રહી હતી. વિશેષ તો દેશના રજવાડાને સંગઠિત કરી ભારતના નિર્માણ માટે સરદાર પટેલે પાયાની ભૂમિકા ભજવી હતી. હૈદરાબાદ અને જૂનાગઢ રાજ્યોએ જ્યારે ભારત સાથે જોડાવા માટે નનૈયા ભણ્યો ત્યારે સરદાર પટેલની કૂનેહ અને ત્વરિત નિર્ણય શક્તિ ભારતને એકસૂત્રતામાં બાંધ્યો. દેશના 565 રજવાડા-રિયાસતોને એક સૂત્રતાના ઘાગે બાંધી આજના ભારતનું નિર્માણનો શ્રેય સરદાર પટેલને જાય છે. આ સાથે પાકિસ્તાનના પંજાબથી આવતા હિંદુ નિરાશ્રિતોને આશ્રય આપવા માટે સરદાર પટેલે સિમાચિન્હ કાર્ય કર્યું છે. સરદાર પટેલે દેશને વ્યવસ્થિત રીતે સંચાલન કરવા માટે ઓલ ઇન્ડિયા સર્વિસ કે જે ભારતીય સનદી સેવા તરીકે ઓળખાય છે તેની રચના પણ કરી છે.