પોરબંદર દરિયાકિનારે વસેલો જિલ્લો છે, આ જિલ્લાના રાજાએ શિક્ષણના હેતુંથી પોતાનો મહેલ વીના સંકોચે દેશની સેવામાં અર્પણ કરી દીધો હતો. આ મહેલમાં ગુજરાતની B.ed કોલેજની શરૂઆત થઇ હતી પરંતુ મહેલની હાલની સ્થિતી જોઇને પોરબંદરના લોકોનું પણ હ્ર્દય દ્રવી ઉઠ્યું હતું, લોકો દ્વારા આ ઐતિહાસિક વારસાનું જતન કરવા માટે એક અભિયાન શરુ કરવામાં આવ્યું છે. તો આ મહેલની જાળવણી સરકાર દ્વારા કરવામાં આવે અને મ્યુઝિયમ બનાવવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠી રહી છે.
દરિયા મહેલનો ઇતિહાસ
"જે દરિયા મહેલમાં મારા માતા એ મારો ઉછેર કર્યો, તેમા તમે પોરબંદરના બાળકોનો ઉછેર કરજો" આવા શબ્દો સાથે પોરબંદરના પ્રજાપ્રેમી રાજા નટવરસિંહજીએ પોતાનો "દરિયા મહેલ" ભારત સરકારને ભેટ આપ્યો હતો. સ્વરાજ મેળવ્યા બાદ ભારત સરકારે પોરબંદરમાં શિક્ષણનો વિકાસ કરવાના હેતુંથી રાજા નટવરસિંહજી પાસે દરિયા મહેલની માંગણી કરી હતી તે સમયે વીના સંકોચે પોતાનો મહેલ રાણાસાહેબે પ્રજા માટે અર્પણ કરી દીધો હતો. 1953માં રાજા નટવરસિંહજી બહાર ગામ હતા તે સમયે તેમના યુવરાજ ઉદયભાણસિંહજીએ ભારત સરકારને મહેલની સોપણી કરી હતી.
દરિયા મહેલનું બાધકામ રાજા નટવરસિંહજીના પિતા રાજા ભાવસિંહજીએ 1903માં કરાવ્યુ હતું. આ મહેલના ઇજનેર મણીલાલ અજીતરાઇ ઠાકોર , ફુલચંદ ડાયાભાઇ હતા અને કોન્ટ્રાક્ટર કોપાલજી જુગજીવરન અને અંબાશંકર હતા. તે સમયે આ મહેલના નિર્માણ માટેનો ખર્ચ રુપિયા 1,18,700 થયો હતો. મહારાણા ભાવસિંહજીના કહ્યા પ્રમાણે આ મહેલ તૈયાર કરાવામાં આવેલો છે. મહેલના પાછળના ભાગે જોતા રાજસ્થાની શીલ્પ કલા દેખાઇ આવે છે. આ રાજ મહેલનાં દરબારખંડની છત આજે પણ મૂલ્યવાન છતચિત્રોથી ભરેલી છે. 'રામાયણ' ના વન-વર્ણનનાં દશ્યોથી આ રાજમહેલના બારીબારણાં શોભી ઉઠે છે. રાજમહેલના કાંચના બારી-બારણા પર કરેલી ચિત્રકલા ઇતિહાસમાં આજે પણ માનભર્યો ઉલ્લેખ પામે છે. આ ચીત્રો તે સમયના પ્રખ્યાત ચીત્રકાર રાજા રવી વર્મા દ્વારા બનાવવામાં આવેલા છે. આ મહેલના દરબારખંડની અંદર રાજા નટવરસિંહજીનો રાજ્યાભિષેક થયો હતો. સ્વરાજ મેળવ્યા બાદ યુવરાજ ઉદયભાણસિંહજીએ આ મહેલને પોરબંદરની પ્રજાને જાણ કરી હતી કે આ દરિયા મહેલ હવેથી પ્રજાના હિતમાં ઉપયોગમાં લેવાશે.
હાલની સ્થિતી
આ મહેલની વર્તમાન પરિસ્થિતિ હાલ દયનીય હાલતમાં છે, મહેલમા અનેક જગ્યાએ તિરાડો પડી ગઇ છે. દરબારહોલની છતમાંથી પાણી પડવાથી POP પણ ઉખડી ગયુ છે. પાણી પડવાને કારણે ઘણા ઔતિહાસીક ચીત્રો પણ નાશ પામ્યા છે. મળતી માહિતી મુજબ RGT રામબા કોલેજ હાલમાં જર્જરિત અવસ્થામાં છે તેના કારણે વિદ્યાર્થીઓેને નજીક આવેલ B.ed કોલેજમાં ખસેડવામાં આવ્યા છે.
લોકોની માગ
પોરબંદર વાસીઓનું કહેવું છે કે, જો આ કોલેજને હવે શિક્ષણ માટે ઉપયોગમાં ના લેવી હોય તો તો આ જગ્યાનું નવીનીકરણ કરાવી એક સુંદર સંગ્રહાલય બનાવામાં આવે જેના કારણે આ ઐતિહાસીક વારસો જળવાઇ રહે. નવીનીકરણ કરવાથી આ ઐતિહાસિક મહેલને નવુ રૂપ મળશે અને આવનારી પેઢી માટે પણ જોવાલાયક સ્થળ બનશે. અહીંના લોકોએ જણાવ્યું હતું કે, જે રાજાએ પોતાના પુંર્વજોની મિલકત પ્રજાના હિત માટે એક ક્ષણ વીલંબ કર્યા વીના રાષ્ટ્રને અર્પણ કરી તેમની યાદ સ્વરૂપે એક સંગ્રહાલયતો બનાવી જ શકાય.
ઇતિહાસવિદ વીરદેવ સિંહ જેઠવા જણાવે છે કે, જો પોરબંદરની જનતાનું આ સ્વપ્ન સાકાર થશે તો પોરબંદરની જનતા તરફથી રાજા નટવરસિંહજીને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી તેમ ગણાશે.
સ્થિતીને લગતા પ્રશ્નો
મહેલની આવી સ્થિતી જોઇને લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે, સરકાર દ્વારા જાળવણી ખર્ચ પેટે અપાતી રકમનો ઉપયોગ કેમ કરવામાં નથી આવતો ? પોરબંદરના જાગૃત સ્થાનિક નિશાંત બધ, પ્રતિભા શાહ , દુર્ગાબેન લાદીવાલા ,વિનેશ ગોસ્વામી, અને નિધિબેન મોઢવાડીયા સહિતના લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક લોકોને આ ઐતિહાસિક વારસાનું જતન કરવા અંગેના અભિયાનમાં જોડાવવા ETV ભારતના માધ્યમથી અપીલ કરી હતી.