- 26 ઓકટોબરથી ટેકાના ભાવે મગફળી ખરીદીની શરુઆત
- પોરબંદરના ખેડૂતોનો નબળો પ્રતિસાદ
- વેચાણ અર્થે આવેલી મગફળી થઈ રહી છે રિજેક્ટ
- સરકારને મગફળી નુકસાન થાય તેવી શક્યતા
પોરબંદરઃ રાજ્યભરમાં 26 ઓકટોબરથી ટેકાના ભાવે મગફળી ખરીદીની શરુઆત કરવામાં આવી છે. જે અંતર્ગત પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે પણ ખરીદી શરૂ કરવામાં આવી છે, ત્યારે સોમવારે એક ખેડૂત કોલીખડાથી ટ્રેક્ટર ભરીને મગફળી લાવ્યો હતો. જેની મગફળી રિજેક્ટ થઈ હતી. આ સાથે મંગળવારે અત્યાર સુધીમાં એક પણ ખેડૂત મગફળી વેંચવા આવ્યા નથી. જેથી ખેડૂતોની આવવાની રાહ સરકારી કર્મચારીઓ કાગડોળે જોઈ રહ્યા છે.
શા માટે નથી આવ્યા ખેડુતો ?
સરકાર દ્વારા મગફળીના 1055 ભાવ રાખી મગફળી ખરીદી કરવામાં આવે છે, ત્યારે અન્ય સ્થળોએ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ભાવથી વધુ કિંમત મળતી હોવાથી પણ ખેડૂતો માર્કેટીંગ યાર્ડમાં આવતા નથી. આ ઉપરાંત જિલ્લાના ઘેડ વિસ્તાર અને બરડા વિસ્તારમાં વધુ વરસાદના કારણે અનેક ખેડૂતોની મગફળીને નુકસાન થયું છે. તો ઘણા ખેડૂતોની મગફળી હજૂ તૈયાર નહીં થઇ હોવાનું પણ વર્તાઈ રહ્યું છે.
સરકાર દ્વારા મગફળી ખરીદીમાં રોકાયેલો સ્ટાફ
પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે 25 સરકારી કર્મચારીઓ, 6 કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ, 5 કોમ્પ્યુટર ઓપરેટર્સ, 3 વીડિયોગ્રાફર તથા 10 પોલીસ કર્મચારીઓ ટેકાના ભાવે મગફળી ખરીદીમાં રોકાયેલા છે, ત્યારે ખેડૂતોને ફોન અને મેસેજ કરી જાણ કરવામાં આવે છે, પરંતુ અનેક ખેડૂતો આવી રહ્યા નથી.