- પોરબંદરમાં 20 સ્થળોએ લગાવાશે પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર
- 4.47 લાખના ખર્ચે સ્પીડ બ્રેકર લગાવવાની કામગીરી હાથ ધરાઇ
- અકસ્માતના નિવારણ માટે સ્પીડ બ્રેકર મુકવાના કામને મંજૂરી
પોરબંદરઃ પોરબંદરમાં લાખો રૂપિયાના ખર્ચે અગાઉ નખાયેલા પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર નીકળી ગયા બાદ ફરીથી તેજ કામ હાથ ધરાયું છે. પોણા બે વર્ષમાં બીજી વખત શહેરમાં અલગ અલગ 20 સ્થળોએ 4.47 લાખના ખર્ચે સ્પીડ બ્રેકર નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
થોડા દિવસો પહેલા અકસ્માતમાં એક પોલીસ જવાનનું થયું હતું મોત
પોરબંદરમાં રસ્તાનું નવીનિકરણ થતાં જ વાહન ચાલકો બેફામ બની ગયા છે. ત્યારે વાહનચાલકો પૂર ઝડપે વાહનો ચલાવતા હોવાના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં અકસ્માતનો ભય નગરજનોમાં સેવાઇ રહ્યો છે. થોડા દિવસો પહેલા જ પોરબંદરમાં વીરભનુની ખાંભી પાસે અકસ્માતમાં એક પોલીસ જવાનનું મોત નીપજ્યું હતું. આમ અકસ્માતનો ભય વધુ પ્રમાણમાં સેવાઇ રહ્યો હતો. જેથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં અકસ્માતના નિવારણ માટે અકસ્માતો ઓછા થાય તેવા આશયથી પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર મુકવાના કામને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે તંત્ર દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.