પોરબંદરઃ શહેરના ખાપટમાં રહેતા રણજીત પરમારના ઘરે 2015ના રોજ જન્મેલી બાળકી આરતીનો જન્મતાની સાથે જ શરીરનો વિકાસ રૂંધાઈ ગયો હતો, આજે પાંચ વર્ષ બાદ પણ આરતીનો શરીરનો બાંધો પાંચ મહિનાની બાળકી જેવો લાગે છે. ત્યારે તેમના માતા-પિતાએ સરકાર પાસે સહાય માગી છે.
એક તરફ સરકાર દ્વારા બેટી બચાવો અને કુપોષણ મુક્ત ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, તે માટે સરકાર મસ મોટા ખર્ચા પણ કરી રહી છે તેમજ રસ્તા પર અને ટીવી પર કુપોષિત બાળકો માટે જાહેરાતો દ્વારા પણ મસ મોટા ખર્ચા સરકાર કરી રહી છે. પરંતુ આ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચતો નથી. શહેરમાં ખાપટ વિસ્તારમાં રહેતા પરિવારની કુપોષિત દીકરીને હજુ કોઈ સહાય ન મળ્યાનું તેના માતા પિતાએ જણાવ્યું હતું.
બાળકીના પિતા રણજીતે જણાવ્યું કે, અમે કચેરીઓના ધક્કા ખાઇને થાકી ગયા છીએ પરંતુ અમને હજું પણ સહાય મળી નથી. આ બાળકી માટે અમારે એક વ્યક્તિને ફરજિયાત સાથે રહેવું પડે છે. અમારો પરિવાર સાવરણાં બનાવીને ગુજરાન ચલાવી રહ્યોં છે, ત્યારે લાડલી દીકરી આરતીની સંભાળ માટે સરકાર પાસે મદદ માંગી હતી.
આ બાબતે પોરબંદરના ICDS યોજનાના પ્રોગ્રામ ઓફિસર અંજના બેન સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે હાલ કોરોનાના કારણે આંગણવાડી બંધ છે જેથી 3 થી 6 વર્ષના બાળકો ને ઘઉં, ચણાનો લોટ, ગોળ, તેલ અને મગફળીનો ભૂકો ઉમેરીને અઠવાડિયામાં એક કિલો સુખડી બનાવીને ઘરે આપવામાં આવી રહી છે.