પોરબંદર : નૌકાદળ દિવસની ઉજવણીના ભાગરૂપે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતીય નૌકાદળની બહાદુરી અને મુખ્ય ભૂમિકાના સંસ્મરણમાંં 25 નવેમ્બર 23ના રોજ પોરબંદરમાં ચોપાટી ખાતે એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ભારતીય નૌકાદળના પોરબંદર સ્થિત મુખ્યાલય ગુજરાત, દમણ અને દીવ નેવલ એરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નૌકાદળના વરિષ્ઠ અધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્ર અને અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી.
પાકિસ્તાન સામે જીતમાં નેવીની મોટી ભૂમિકા : 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન કરાચી બંદર પર નૌકાદળના હુમલાની યાદમાં દર વર્ષે 4 ડિસેમ્બરે નેવી ડે ઉજવવામાં આવે છે. ઓપરેશન ટ્રાઇડેન્ટ અને ઓપરેશન પાયથોનના ભાગ રૂપે 254 મિસાઇલ વેસલ સ્ક્વોડ્રન, જેમાં ત્રણ મિસાઇલ જહાજોનો સમાવેશ થાય છે - નિર્ઘાત, વીર અને નિપતએ 4 ડિસેમ્બરની મધ્યરાત્રિ પહેલા સફળ મિસાઇલ હુમલા કર્યા હતાં અને તેલના ક્ષેત્રોનો નાશ કર્યો હતો અને પાકિસ્તાની જહાજો ખૈબર, મુહાફિઝ અને એમવી વિનસ ચેલેન્જર ડૂબી ગયાં હતાં. ભારતીય નૌકાદળના આ હુમલાઓ પાકિસ્તાન પર ભારતીય સશસ્ત્ર દળોની અંતિમ જીત માટે નિર્ણાયક હતાં.
પોરબંદરની શાળાઓ અને કોલેજોએ પણ ભાગ લીધો : આ યાદગીરીમાં આયોજિત સમારોહમાં પોરબંદરની શાળાઓ અને કોલેજો સહિત વિવિધ સંસ્થાઓએ કાર્યક્રમમાં યોગદાન આપ્યું હતું. આ શોની શરૂઆતે ભારતીય નૌકાદળ, નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) અને સી કેડેટ્સ કોર્પ્સ (SCC) ના ટુકડીઓ દ્વારા પ્રભાવી માર્ચ પાસ્ટ સાથે કરવામાં આવી હતી. તેમાં ભારતીય નૌકાદળના બેન્ડ દ્વારા એકતા અને શિસ્તનું પ્રતિક દર્શાવતું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જે ભારતની પ્રગતિશીલતાનું સાચું પ્રતિબિંબ દર્શાવે છે. રાજકુમાર કોલેજ, રાજકોટના ગર્લ બેન્ડે માત્ર તેમની સંગીત પ્રતિભા જ નહીં, પરંતુ આપણી શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રચલિત સાંસ્કૃતિક સમૃદ્ધિ પણ દર્શાવીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
નેવલ પાવર ડેમોન્સ્ટ્રેશન : ભારતીય નૌકાદળના એરક્રાફ્ટ દ્વારા ફ્લાયપાસ્ટ અને જહાજો દ્વારા નેવલ પાવર ડેમોન્સ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય નૌકાદળની તકનીકી કુશળતા અને દરિયાઈ શક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નેવી ચિલ્ડ્રન સ્કૂલના યુવા વિદ્યાર્થીઓને 'લેહરા દો' ની ધૂન અને તાજેતરમાં ભરતી કરાયેલા અગ્નિવીરોની સચોટ કવાયત જોઈને પ્રેક્ષકો દેશભક્તિના ઉત્સાહથી ભરાઈ ગયા હતા.
દરિયાઈ રાજ્ય તરીકે ગુજરાતનું મહત્વ : ગુજરાત નેવલ એરિયાના કમાન્ડિંગ ફ્લેગ ઓફિસરે તેમના સંબોધન દરમિયાન દરિયાઈ રાજ્ય તરીકે ગુજરાતનું મહત્વ અને આ પ્રદેશમાં દરિયાઈ પાસાંઓને ભારતીય નૌકાદળ દ્વારા આપવામાં આવેલ મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે નૌકાદળ દિવસની ઉજવણી માટેના પ્રદર્શનનો ઉદ્દેશ્ય ગુજરાત અને પોરબંદરના નાગરિકોમાં ભારતીય નૌકાદળની મહત્વપૂર્ણ ભૂમિકા અને જવાબદારીઓ વિશે જાગૃતિ ફેલાવવાનો હતો. તે ભારતીય નૌકાદળની તત્પરતા તેને કોમ્બેટ રેડી, સંયોજક, વિશ્વસનીય દળ તરીકે પણ દર્શાવે છે. આ પ્રદર્શનો શિસ્ત, વ્યાવસાયિક નીતિ, એસ્પિરિટ-ડી-કોર્પ્સ અને કેન્દ્રિત તાલીમને પ્રતિબિંબિત કરે છે.