પોરબંદરઃ રાજ્યમાં કોરોના મહામારીને પગલે જાહેર કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન ક્રાઈમ અને અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો થયો છે. પરંતુ લોકડાઉન ખુલતાની સાથે જ ફરી વખત ગુનાહખોરીના કિસ્સાઓ સામે આવવા લાગ્યા છે. એવી જ રીતે 15 જૂનના રોજ રાણાવાવ તાલુકાના અણીયારી ગામના અબ્દુલભાઈ મુસાભાઈ રાનિયાએ તેમનું રૂપિયા 20,000નું હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઈકલ પોતાના ઘરની બહારથી રાત્રીના સમયે કોઈ ચોરી કરી ગયા હતાં.
અબ્દુલભાઈ મુસાભાઈ રાનિયાએ આ મામલે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોરબંદરના પોલીસ અધિક્ષક દ્વારા ચોરી કરનાર ચોર અને મુદ્દામાલને શોધીને ગુનો ડિટેક્ટ કરવા સઘન સુચના આપી હતી.
ફરિયાદના આધારે પોરબંદર ગ્રામ્ય વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક જે.સી.કોઠીયાના માર્ગદર્શન મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એસ.ઝાલા તથા સ્ટાફના સી.ટી.પટેલ, હિમાન્શુભાઈ મક્કા, સંજયભાઈ બાબરીયા, ઉદયભાઈ વરુ, કાનાભાઇ કરંગીયા, મેરામણભાઇ વરુ વગેરેના સ્ટાફને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. પોલીસે તપાસ કરી વાહન ચેકીંગ ગોઠવતા જામનગર ટી-પોઈન્ટ પર હેમત ભોજાભાઈ મકવાણા નામનો ઈસમ ઠોયાણાનો રહેવાસી હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઈકલ નંબર પ્લેટ કાઢી શંકાસ્પદ હાલતમાં લઇને નિકળતા પોકેટ કોપની મદદથી ખરાઈ કરતા મોટરસાઈકલ અબ્દુલભાઈ મુસાભાઈ રાનિયાના નામનું હોવાનું જાણવામાં આવ્યુ હતુ.
આથી ઈસમને વધુ પુછપરછ કરતા મોટરસાઈકલ અણીયારી ગામેથી ચોરી કર્યાની કબુલાત કરી હતી. પોલીસે ઈસમની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.