પોરબંદર: શહેર અને જિલ્લામાં આગામી નવરાત્રી ઉત્સવ-શક્તિની આરાધના ઉમંગ અને આનંદમય રીતે ઉજવાય તે માટે આગવી તૈયારીઓ કરી દેવામાં આવી છે. અસામાજિક તત્વો ઉપર કડક કાર્યવાહી થાય તે રીતે જિલ્લા વહીવટી તંત્ર -પોલીસ તંત્ર જરૂરી બંદોબસ્ત અને વ્યવસ્થા કરી ગરબીના આયોજકો સાથે સંકલન કરશે.
મેડિકલ ટીમ પણ તૈયાર: આ બેઠકમાં કલેકટર કે.ડી. લાખાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી યુવાનોને હૃદય રોગનો હુમલો અને હૃદય સંબંધી બીમારીના કિસ્સાઓ જોવા મળ્યા છે. ગરબી દરમિયાન ગરબીના સ્થળે યુવાનોને ઇમર્જન્સીમાં સારવાર મળી રહે તેમજ સિવિલ હોસ્પિટલમાં પણ આ અંગે આગોતરું આયોજન થાય તે માટે તંત્ર જરૂરી આયોજન કરી રહ્યું છે અને મોટા સ્થળોએ મેડિકલ ટીમ પણ તૈયાર રાખવામાં આવશે. જિલ્લા કલેકટરે ગરબીના આયોજકોએ પાર્કિંગ એન્ટ્રી પોઇન્ટ- એક્ઝિટ પોઇન્ટ તેમજ સીસીટીવી કેમેરા અને આગ જેવી ઘટના ન બને તે માટે જરૂરી તકેદારી અને તંત્રના નિયમ અને માર્ગદર્શન અનુસાર જરૂરી તૈયારી કરી લેવા માર્ગદર્શન આપ્યું હતું.
રાત્રીના 12 વાગ્યા બાદ ગરબાનું આયોજન બંધ: સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન મુજબ રાત્રિના 12 વાગ્યા બાદ ગરબાનું આયોજન બંધ કરવાનું રહેશે, ગરબાના આયોજન સ્થળ પર વધુ પૈસા આપે તેવી પાર્ટીઓ કરતા ફૂડની વધુ સારી ક્વોલિટી આપે તેવ સ્ટોલ ધારકોને સ્ટોલ ફાળવવો. પોરબંદર શહેર જિલ્લામાં શક્તિની આરાધના શ્રદ્ધામય રીતે અને શાંતિપૂર્વક રીતે થાય લોકો આ પર્વ ઉમંગ અને ઉલ્લાસથી ઉજવી શકે તે માટે જરૂરી વ્યવસ્થા અંગે પણ ચર્ચા વિમર્શ કરી ગરબીના આયોજકોને પૂર્વ તૈયારીઓ અંગે જણાવ્યું હતું.
મહિલાઓની છેડતી ન થાય તે માટે વિશેષ બંદોબસ્ત: એસપી ભગીરથ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગરબીના સ્થળે મહિલાઓની છેડતી ન થાય તે માટે વિશેષ બંદોબસ્ત રાખવામાં આવશે. રોમિયોગીરી સામે કડક કાર્યવાહી કરવા મહિલા પોલીસ સિવિલ ડ્રેસમાં વોચ રાખશે. જો કોઈ વ્યક્તિ દારૂ પીધેલ જોવા મળશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. લોકો શાંતિથી શક્તિની આરાધના કરી શકે અને તેમને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પેટ્રોલિંગ અને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.
હૃદય રોગના હુમલા: છેલ્લા કેટલાક દિવસો દરમિયાન કેટલાક યુવાનોને દાંડિયાની પ્રેક્ટિસ દરમિયાન, જીમ, મોર્નિંગ વોક દરમિયાન હૃદય રોગના હુમલા આવ્યાના બનાવ ધ્યાનમાં આવ્યા છે. ત્યારે મેડિકલ તજજ્ઞોએ પણ જેમને બીપી ,હૃદય શ્વાસ જેવી બીમારી હોય તેઓએ જરૂરી મેડિકલ ચેકઅપ કરાવી લેવા તેમજ નિયમિત દવા લેવા તેમજ તબિયતની સલાહ પ્રમાણે સારવાર અને આવી પ્રેક્ટિસ દરમિયાન તકેદારી રાખવા જણાવ્યું છે. બેઠકમા નિવાસી અધિક કલેકટર એમ.કે.જોષી સહિત અધિકારીઓ તથા ગરબી મહોત્સવના વિવિધ આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.