પોરબંદર : કોરોના વાઇરસના સંક્રમણને પોરબંદર જિલ્લામાં વધુ ફેલાતો અટકાવવા માટે જિલ્લાતંત્ર ગંભીરતાથી કામ કરી રહ્યું છે. સરકાર દ્રારા 3 મે સુધી લોકડાઉન લંબાવાયુ છે. જેથી લોકડાઉનના સમયગાળા દરમિયાન જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ લોકોને મળી રહે તે સરકાર દ્રારા સુનિશ્ચિત કરવામાં આવ્યુ છે.
પોરબંદરમાં 20 એપ્રિલથી બજાર સમિતિ, અનાજ માર્કેટ યાર્ડ શરૂ કરાશે 20 એપ્રિલથી બજાર સમિતિઓ અનાજ માર્કેટ યાર્ડ સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરિયાત મુજબ અને સુદ્રઢ આયોજન મુજબ શરૂ કરાશે. એ.પી.એમ.સી. દ્રારા નિયત કરવામાં આવેલ કાર્યક્રમ મુજબના દરેક દિવસે નક્કી થયેલા ગામોના ખેડૂતોને તેમની જણસી વહેંચાણ માટે બોલાવવામાં આવશે. આ માટે એ.પી.એમ.સી અને ગામના સરપંચોનો ખેડૂતોએ સંપર્ક કરવાનો રહેશે. હાલ સુધીમાં શંકાસ્પદ વ્યક્તિઓનાં લેવામાં આવેલ 191 સેમ્પલ નેગેટીવ આવ્યા છે. પોરબંદર જિલ્લામાં 3 કેસ પોઝિટિવ આવ્યા હતા. તેઓ સારવાર દરમિયાન સંપૂર્ણ સ્વસ્થ થઇ જતા અને તેઓના રિપોર્ટ પણ નેગેટીવ આવતા પોરબંદર જિલ્લામાં હાલ એક પણ કેસ પોઝિટિવ નથી.પોરબંદર જિલ્લાના જે વિસ્તારમાં કોરોના વાઈરસ પોઝિટિવ આવેલા હતા, તે વિસ્તાર-આશાપુરા ચોક અને જૂના ફુવારા પોલીસ લાઇનને કલસ્ટર ક્વોરન્ટાઇન જાહેર કરવામાં આવેલા છે.જિલ્લા ક્વોરન્ટાઇન ખાતે કૂલ 408 વ્યક્તિ પૈકી 400 વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરેલા છે. હાલ 8 વ્યક્તિઓ ચકાસણી હેઠળ છે. હોમ ક્વોરન્ટાઇનમાં કૂલ 1174 વ્યક્તિઓ ચકાસણી હેઠળ રખાયા છે. તે પૈકી 957 વ્યક્તિઓનું હોમ ક્વોરન્ટાઇન પૂર્ણ થયેલું છે.પોરબંદરના જુદા જુદા એન્ટ્રી પોઇન્ટ ઉપર કૂલ 27794 વ્યક્તિઓની સ્ક્રિનીંગ કરાઇ છે. જિલ્લામાં ડોર ટુ ડોર સર્વે કરવા જુદી જુદી ટીમો કાર્યરત છે. આ ટીમો દ્રારા 6.21 લાખથી વધુ વ્યક્તિઓનો ઘરે ઘરે જઇને સર્વે કર્યો છે. જ્યારે બીજા રાઉન્ડમાં 3.87 લાખથી વધુ લોકોનો સર્વે કરાયો છે.નોવેલ કોરોના વાઇરસના સંદર્ભમાં સારવાર માટેની ક્ષમતા ધરાવતા આઇસોલેશન વોર્ડ તૈયાર રાખવામાં આવેલો છે. હાલમાં સિવિલ હોસ્પિટલ અને મોરારજી ખેરાજ ઠકરાર ઓર્થોપેડીક હોસ્પિટલ પર આઇસોલેશન સ્થળ જાહેર કરેલું છે.